બે દર્શકો અદાણીના વિરોધમાં બેનર્સ લઈ પિચ સુધી પહોંચ્યા
સિડની: શુક્રવારે વન-ડે સીરિઝની પહેલી મેચ દરમિયાન કેટલાક દર્શકો મેદાનમાં દોડીને પહોંચી ગયા. ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર કેટલાક લોકો પ્લેકાર્ડ લઈને ઉતર્યા જેના પર નો અદાણી લોન લખેલું હતું. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સની છઠ્ઠી ઓવર ચાલી રહી હતી, આ દરમિયાન મેદાન પર આ પ્રકારની ઘટના બની હતી. મેદાન પર રહેલા સુરક્ષા ગાર્ડ લોકોને બહાર લઈ ગયા. જોકે મેદાન પર પ્રદર્શકોના આવીને રમત રોકવાની વાત કોઈ નવી નથી.
પરંતુ આ વખતે પ્રદર્શકોના હાથમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નો અદાણી લોન હોર્ડિંગ હતું, જેના પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પ્રદર્શકોના હાથમાં બેનર્સ લઈને મેદાન પર દોડી આવવાની ઘટના પર સુરક્ષામાં ચૂકને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કોવિડ-૧૯ અને બાયો-બબલ સિક્યોરિટીના આ સમયમાં દર્શકોનું આવી રીતે મેદાન પર આવવું ખેલાડીઓ અને અમ્પાયર્સ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણી ભારતના મોટા બિઝનેસમેન છે. તેમનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. ઓસ્ટ્રેલિયામાં કોલ માઈન્સ માટે તેમનો ખૂબ વિરોધ થયો હતો. હાલમાં જ ખબર આવી હતી કે એસબીઆઈએ અદાણીની ઓસ્ટ્રેલિયન માઈનિંગ કંપનીને ૫૦૦૦ કરોડની લોન આપવાનું મન બનાવ્યું છે. પ્રદર્શનકારીઓ આ જ ખબરનો વિરોધ કરી રહ્યા છે. પ્રોજેક્ટ વિરોધીઓનું માનવું છે કે થર્મલ કોલ માટે થઈ રહેલી માઈનિંગ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે.