બે દિવસમાં માસ્ક ન પહેરનાર ૬૦૦૦થી વધારે લોકો દંડાયા
અમદાવાદ: શહેર પોલીસ માસ્કના નિયમોનું ઉલ્લંઘન કરતા વધુથી વધુ લોકોના દંડ કરી રહી છે, એવામાં માસ્ક ન હોવા પર દંડાનારા લોકોની સંખ્યા પણ રેકોર્ડ બ્રેક હાઈ સામે આવી રહી છે. છેલ્લા બે દિવસમાં દરરોજ અંદાજે ૩૦૦૦ જેટલા લોકોને માસ્ક ન પહેરવા મામલે દંડ કરવામાં આવી રહ્યો છે.
પોલીસે રવિવાર અને સોમવારે એક ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી અને ૬૪૩૭ લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કર્યો હતો. રવિવારે માસ્કના નિયમ ભંગના ૩૨૬૦ કેસ નોંધાયા હતા, જે ૨૪મી માર્ચે લાગુ કરાયેલા લોકડાઉન બાદથી સૌથી વધારે છે.
શહેર પોલીસના અધિકારીઓનું કહેવું છે કે તેમને વધુમાં વધુ લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરવા ફરજ પાડવામાં આવી રહી છે, જેમાં કારમાં એકલા જતા લોકોને પણ અટકાવીને ૧૦૦૦ રૂપિયા દંડ કરાય છે, જે પહેલા નહોતું કરવામાં આવતું. એક અધિકારી કહે છે, મેં શનિવારે એવા વ્યક્તિને દંડ કર્યો જે આશ્રમ રોડ પરથી કારમાં એકલા જતો હતો.
લોકોએ માસ્ક ખાસ પહેરવું જાેઈએ કારણ કે તેમને રોડ પર લોકો સાથે વાતચીત કરવાની જરૂર પડતી હોય છે અને તેમણે જરૂરી પ્રોટેક્શન રાખવું જાેઈએ. પોલીસ પણ માસ્કના નિયમનું પાલન કરાવવા માટે ખૂબ જ ઉત્સાહી હોય તેમ લાગી રહ્યું છે.
રવિવારે સાંજે પોલીસે નારણપુરામાં પાણી પીવા માટે માસ્ક ઉતારનારા વ્યક્તિને પણ દંડ કર્યો. જ્યારે પોલીસે તેની પાસે દંડની રકમ માગી તો તે અને તેના ત્રણ મિત્રોએ તેમની સાથે બોલાચાલી કરી, જે બાદ તેમની સામે પોલીસના કામમાં દરમિયાનગીરી કરવા ઉપરાંત પોલીસ કર્મિશનરના આદેશનું પાલન ન કરવું, ગુનામાં મદદ અને એપિડમિક ડિસિઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો.