બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ આરોપીની ધરપકડ
અમદાવાદ, શહેરમાં બે દિવસ પહેલા દાણીલીમડા વિસ્તારમાંથી ગળુ કપાયેલી લાશ મળી આવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે અગાઉના ઝઘડાની અદાવત રાખી હિસ્ટરી શીટરની હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે મહત્વના પુરાવાઓ પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મઝહર ઉર્ફે કસાઈ કુરેશી છે. મઝહરે કામ પણ કસાઈઓ જેવું જ કર્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા નિપજાવી બાદ લાશને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હતી.
સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જાેકે ૧૦ દિવસ પહેલા થયેલી હત્યા સામે આવી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સીરીન સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો.
જેથી મઝહરની બહેને ટોક્યો પણ હતો. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી.