બે બાળકોની માતા પર યુવકનો એસિડ એટેક
મિત્રતા રાખવા દબાણ કરતા યુવકે કૃત્ય આચર્યું, મહિલાને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ અને ૧૫ ટકા દાઝી ગઈ
(એજન્સી)અમદાવાદ, સલામત ગુજરાતમાં નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે રોડ પરથી પસાર થતી બે સંતાનની માતા પર યુવકે એસિડ એટક કર્યાની આંચકારૂપ ઘટના બની છે. રવિવારે રાત્રે બનેલી આ ઘટના અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મિત્રતા રાખવા દબાણ કરતા યુવકે આ કૃત્ય આચર્યું હતું. મહિલાને છાતીના ભાગે ગંભીર ઇજા થયાનું અને ૧૫ ટકા જેટલું બર્ન્સ થયાની વિગતો મળી છે.
ઘાટલોડિયા વિસ્તારમાં સંજયનગર પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી ૩૯ વર્ષીય બે સંતાનની માતા કુમુદબહેન (નામ બદલ્યું છે)ની ફરિયાદ આધારે ઘાટલોડિયા પોલીસે રીક્ષા ચાલક શિવભાઈ ભીખાભાઇ નાયક વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપી નારણપુરાની લખુડી હાઉસિંગ સોસાયટીમાં રહેતો આરોપી કુમુદના સંપર્કમાં આવ્યો
ત્યારે ફોન નંબરની આપલે થઈ હતી. કુમુદબહેન લખુડી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં કેરટેકર તરીકે નોકરી કરતા હતા. તે સમયે આરોપી શિવા સાથે મુલાકાત થઈ હતી.
જાેકે શિવા નાયક અવારનવાર મિત્રતા કરવા માટે દબાણ કરતો પણ કુમુદબહેન મચક આપતા ન હતા. જે બાબતે અદાવત રાખી આરોપીએ આ કૃત્ય આચર્યું હતું. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.