બે બાળકો શાળામાં જવાનું કહી ઘરે પરત ન ફરતાં બીજા દિવસે મુંબઈથી મળ્યા
નેત્રામલી: ઇડર તાલુકાના નેત્રામલી ગામના પિતા વિહોણા બે બાળકો શાળામાં જવાનું કહી ઘરેથી નિકળ્યા હતા આ બંને બાળકો ધોરણ ૮ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે પરંતુ શાળા છૂટયા પછી પણ મોડી સાંજ સુધી ધરે પરત ન ફરતાં બંને બાળકોની વિધવા માતાઓ ઉપર ચિંતા ના ધેરા વાદળો છવાઈ ગયા હતા. મોડી સાંજે પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને શાળા ના શિક્ષકોને પણ જાણ કરી તપાસ કરતાં બંને બાળકોની શાળામાં ગેરહાજરી હતી. શાળાના શિક્ષકો અને ગ્રામજનો એ શોધવા તજવીજ હાથ ધરી હતી પરંતુ બંને બાળકોની કોઈ ભાળ ન મળતાં ઇડર પોલીસ મથકમાં જાણ કરી હતી છેવટે બીજા દિવસે બંને બાળકો મુંબઈ ખાતે થી મળી આવ્યા હતા.
ઇડર તાલુકાના નેત્રામલી ગામમાં રહેતા દરજી હષૅ શશીકાંતભાઈ (ઉ.૧૫ વર્ષ)અને ઠાકરડા ક્રીશ રમણભાઈ(ઉ. ૧૩ વષૅ) બંને મિત્રો પિતા વિહોણા એકબીજાના પાડોશમાં રહે છે. જે તારીખ ૧/૧/૨૦૨૦ ને બુધવારના રોજ નિયત સમયે નાસ્તાનો ડબો લઈ શાળામાં જવાનું કહી ઘરેથી નિકળ્યા હતા. પરંતુ શાળા છૂટયા પછી પણ મોડી રાત્રિ સુધી ધરે પરત ન ફરતાં બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી
પરંતુ બંને બાળકોની કોઈ ભાળ ન મળતાં વિધવા માતા ચોધાર આંસુડે વિલાપ કરતા નજરે જોવા મળી રહ્યા હતા. શાળાના શિક્ષકોને પણ જાણ થતાં તપાસ કરતાં બંને બાળકોની શાળાના રજીસ્ટર માં ગેરહાજરી જોવા મળી હતી. સમગ્ર પંથકમાં વાયુવેગે સમાચાર ફેલાતા બાળકોના વાલીઓમાં વ્યાપક ફફડાટ જોવા મળી રહ્યો હતો.
પાડોશીઓ અને શિક્ષકોએ મોડી રાત સુધી આજુબાજુના ખેતરોમા અને ગામોમાં શોધખોળ આદરી હતી પણ કોઈ પત્તો ન લાગતા મોડી રાત્રે ઇડર પોલીસ મથકમાં જાણ કરી હતી છેવટે બંને બાળકોની ભાળ મુંબઈ ખાતે થી મળતાં પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો. બે વર્ષ અગાઉ જ બંને બાળકોના પિતા અવસાન પામેલ છે.