બે મહિના બાદ સંજય દત્ત કેન્સર ફ્રી: ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર હોવાની વાત સામે આવી હતી
સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર ફ્રી થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ઑથેન્ટિક તપાસ માનવામાં આવે છે. નિકટના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે સંજય દત્ત કેન્સર ફ્રી થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. કોકિલાબેન હોસ્પિટલનાં સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું.
આજે એટલે કે 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તનો PET રિપોર્ટ આવ્યો હતો અને એમાં તે કેન્સર ફ્રી હોવાની જાણ થઈ હતી. સંજય દત્ત તથા માન્યતા દત્ત પણ આ અંગેની ઓફિશિયલ માહિતી મોડી સાંજ સુધી રિલીઝ કરશે, એમ માનવામાં આવે છે.
હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું, ‘ખરી રીતે કેન્સર કોષમાં બિન-કેન્સર કોષની તુલનામાં મેટાબોલિક દર એટલે કે ચય-ઉપાચય દર વધુ હોય છે. રાસાયણિક ગતિવિધિના આ ઉચ્ચ સ્તરને કારણે કેન્સરના કોષો PET ટેસ્ટમાં એકદમ ચમકતા દેખાઈ આવે છે, આથી જ આ ટેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં સૌથી વધુ ઉપયોગી છે. આ સાથે PET સ્કેનથી એ વાતની માહિતી પણ મળે છે કે કેન્સર શરીરમાં કેટલું ફેલાયું છે.’
હાલમાં સંજય દત્ત હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં ગયો હતો અને અહીં તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. સંજય દત્તે વિડિયોમાં કહ્યું હતું, ‘હાઇ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનનાં જખમ જોશો, પરંતુ હું એને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ ‘રોકી’માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળ પર પ્રયોગો કરતો રહેતો હોય છે. ‘KGF ચેપ્ટર 2’માં મારો લૂક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું ‘શમશેરા’નું ડબિંગ કરીશ.’