બે રૂપિયા બાકી રાખવા બાબતે રિક્ષાચાલકને છરીના ઘા ઝીંક્યા
સરસપુર ચાર રસ્તા પાસેનો બનાવ ઃ ત્રણ યુવકોએ કહ્યું ‘પૈસા તો આપવા જ પડશે’
અમદાવાદ, સરસપુર વિસ્તારમાં બે રૂપિયા બાકી રાખવા બાબતે રિક્ષાચાલકને માર મારીને છરીના ઘા ઝીંકતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
જુહાપુરાના અતિકાપાર્કમાં રહેતા શાકિર હુસેન ઘાંચીએ ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. શાકિર રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. શાકિર સાત વર્ષ અગાઉ કાલુપુરબ્રિજ નીચે ાવેલી રામલાલની ચાલીમાં રહેતો હતો, જેથી શાકિર મુસ્તાક કુરેશી અને તેના ભાઇ અઝહરુદીન કુરેશીને સારી રીતે ઓળખતો હતો.
ગઇકાલે શાકિર રિક્ષાનો ફેરો કરીને સરસપુર ચાર રસ્તા પાસે આવેલી અન્નાની કીટલી પર ચા પીવા માટે ઊભો હતો ત્યારે તેણે ચા અને મસાલો લીધાં હતાં, જેના બાર રૂપિયા થયા હતા, જેથી શાકિરે દસ રૂપિયા આપ્યા હતા અને કહ્યું કે બે રૂપિયા પછી આપી દઇશ. શાકિરે આમ કહેતા ત્યાં હાજર અઝહરુદ્દીને કહ્યું કે પૈસા તો પૂરા આપવા પડશે.
અઝહરુદ્દીને આમ કહીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર મુસ્તાક તેમજ તૌફિકે પણ અઝહરુદ્દીનનું ઉપરાણું લઇને શાકિરને ગાળો બોલીને માર માર્યો હતો.
જાેતજાેતામાં તૌફિકે ખિસ્સામાંથી છરી કાઢીને શાકિરને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. શાકિરે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી જતાં ત્રણેય મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. શાકિરને લોહી નીકળતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે શાકિરે ત્રણ યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.