બે લોકોને ડેલ્ટા વેરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની સંભાવના
વડોદરા: કોરોના વાયરસની ત્રીજી લહેરમાં ડેલ્ટા વાયરસ માથાનો દુઃખાવો બને તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ સિવાય ડેલ્ટા વાયરસ સામાન્ય વાયરસ કરતા ઝડપથી ફેલાતા હોવાની સંભાવનાને જાેતા ખાસ કાળજી રખાઈ રહી છે. હવે મધ્ય ગુજરાતના વડોદરામાં ડેલ્ટા વેરિયન્ટના બે શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે અને તમની તપાસ કરવામાં આવી રહી છે. વડોદરામાં સયાજી હોસ્પિટલમાં નોંધાયેલા કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓ કેરળ ફરીને આવ્યા બાદ તેમનામાં લક્ષણો દેખાતા સેમ્પલની તપાસ કરાઈ રહી છે. નોંધનીય છે કે મહિના અગાઉ જરોદની મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત થઈ હતી.
હવે ફરી બે કેસ મળી આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક મહત્વના પગલા ભરવાના શરુ કરી દીધા છે. સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા આધેડ અન યુવાન એમ બે વ્યક્તિને ૫ દિવસ અગાઉ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. દાખલ કરાયેલી બન્ને વ્યક્તિઓ ૧૫ દિવસ અગાઉ કેરળ ફરવા માટે ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બન્ને દર્દીઓએ શરુઆતમાં ઘરે સારવાર લીધી હતી અને તે પછી તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ બન્ને દર્દીઓ કેરળના પ્રવાસે જઈને આવ્યા પછી તેમને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળતા તેમનામાં ડેલ્ટા વેરિયન્ટ હોવાની સંભાવના વધી ગઈ છે.
જાેકે તેમના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આગામી ૮થી ૧૦ દિવસમાં આવી શકે છે. ડેલ્ટા વેરિયન્ટ કોરોના વાયરસના સામાન્ય પ્રકાર કરતા ઝડપથી ફેલાતો હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, આ પૂર્વે વાઘોડિયાના જરોદમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા પછી મહિલા ક્યાં-ક્યાં ગઈ હતી અને કોને-કોને મળી હતી તે અંગેની તપાસ કરીને સઘન તપાસ કરાઈ હતી. હવે આ વખતે પણ કેરળ ફરીને આવેલા બે લોકોમાં ડેલ્ટા વેરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જરુરી પગલા ભરવાના શરુ કરી દેવાયા છે.
આગામી સમયમાં જાે આ બન્ને દર્દીઓે કોના સંપર્કમાં આવ્યા હતા અને જેમના સંપર્કમાં આવ્યા છે તેમનામાં કોઈ લક્ષણો દેખાયા છે કે નહીં તે અંગેની તપાસ શરુ કરવામાં આવી શકે છે. આ સિવાય ઘરના અન્ય સભ્યો તથા ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકો પણ અન્યના સંપર્કમાં ના આવે તેનું ધ્યાન રાખવામાં આવશે.કોરોના વાયરસની ત્રીજી લહેરમાં ડેલ્ટા વાયરસ માથાનો દુઃખાવો બને તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.