બે વર્ષમાં સરકારે ૧૦૩૮ ચો.કિમી જમીન ઉદ્યોગોને ફાળવી-વેચી નાખી
ગાંધીનગર, ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ આવા સમયમાં ઉદ્યોગો પાછળની દોટમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ખરાબા, ગૌચર, પડતર એવો બધી મળી ૧૦૩૮ ચોરસ કિલોમીટર જમીન ઉદ્યોગોને ફાળવી છે કે વેચી છે.
આ જમીનનું કુલ કદ એટલું મોટું છે કે જેમાં બે અમદાવાદ જેવડા શહેરનો વસવાટ કરવો શકય છે. અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ ૨૦૨૧માં નવા ભાગ ભળતા હવે ૫૩૦ ચોરસ કિલોમીટર છે. આટલા મોટા વિસ્તારમાં અત્યારે શહેરમાં ૭૦ લાખ લોકો વસવાટ કરે છે, રોજી મેળવે છે. એટલે સરકારે બે વર્ષમાં જે જમીન ફાળવી છે તેમાં ચોક્કસ રીતે બે બીજા અમદાવાદ શહેરનો વસવાટ પણ થઈ જ શકે!
આ માહિતી આજે વિધાનસભામાં સરકારે એક લેખિત જવાબમાં આપતા કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ૧૦૩૮ ચોરસ કિલોમીટર ગૌચર અને સરકારી જમીન ઉદ્યોગકારોને પધરાવી દીધી છે. બજેટ સત્ર દરમિયાનની પ્રશ્નોત્તરીમાં ગુજરાત સરકારે જવાબ આપતા કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ ૧૦૩ કરોડ ૮૦ લાખ ૭૩ હજાર ૧૮૩ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચર જમીન ભાડે અથવા વેચાણથી પધારવી દેવામાં આવી છે. આમ સરેરાશ જાેઈએ તો દૈનિક સરકારે ૧૪.૨૨ લાખ જમીન ઉદ્યોગોને લ્હાણીમાં આપી દીધી છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલ આંકડા અનુસાર ૧૦૩,૨૯,૩૫,૧૨૪ ચોરસ મીટર સરકારી જમીન વેચાણ અથવા ભાડેથી આપવામાં આવી છે. સરકારે ૧૮ લાખથી વધુ ગૌચર જમીન પણ લ્હાણીમાં આપી હોવાની કબૂલાત કરી છે. ગત બે વર્ષમાં અંદાજે જેટલી જમીન વેચવામાં આવી છે તે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ કરતા પણ બમણી સાઈઝની છે. તાજેતરના સીમાંકન બાદ અમદાવાદ શહેરનો કાર્પેટ એરિયા ૫૩૦ ચોરસ કિલોમીટર થયો હતો એટલેકે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં બમણા અમદાવાદ કરતા પણ વધુ જમીન આપી દીધી છે.
આ જમીનોના રાજ્યના જિલ્લા પ્રમાણેના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ જમીન કચ્છ જિલ્લામાં ૯૫ કરોડ ૬૫ લાખ જમીન ઉદ્યોગકારોને આપી દીધી છે. જાેકે કચ્છ જિલ્લાનો આ આંકડો માત્ર સરકારી જમીન ભાડે અથવા વેચાણ આપવાનો જ છે. કચ્છ માટે સરકારે આપેલ ખરાબા અને ગૌચર જમીનની વિગતો જાહેર કરવામાં નથી આવી. આ અહેવાલ બાદ સરકારને ઘેરતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની ભાજપ સરકાર પાસે ગરીબોને આપવા માટે ૫૦-૧૦૦ ચોરસ મીટર જમીન નથી આપતી અને અહિં પોતાના મળતિયાઓને લ્હાણી થઈ રહી છે.SSS