બે સંતાનો સાથે મહિલાનો નહેરમાં કૂદકો, માતાનો બચાવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/A-woman.jpg)
Files Photo
દારૂડિયા પતિથી ત્રાસીને મહિલાએ બે સંતાનો સાથે નહેરમાં છલાંગ લગાવી દેતાં બાળકો તણાઈ ગયા,માતાને બચાવાઈ
કરનાલ: હરિયાણાના કરનાલ જિલ્લામાં એક કંપાવી દેનારી ઘટના બની છે. જિલ્લાના પનૌડી ગામની એક મહિલાએ પોતાના બે માસૂમ સંતાનો સાથે નહેરમાં છલાંગ લગાવી દીધી હતી. ત્યાં હાજર લોકોએ મહિલાને નહેરથી સુરક્ષિત બહાર કાઢી દીધી, પરંતુ બંને બાળકો પાણીના વહેણમાં તણાઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ ગામમાં પહોંચી. પોલીસે ડાઇવર્સની મદદથી બાળકોની શોધખોળ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ, મહિલાનો છેલ્લા કેટલાક સમયથી પતિની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. મહિલા રિક્ષામાં બેસીને નહેરની પાસે પહોંચી અને નહેરમાં બંને બાળકોની સાથે કૂદી ગઈ. ૧૧ વર્ષની બાળકી અને ૩ વર્ષના બાળક બંને નહેરમાં ડૂબી ગયા. મહિલાને ગામ લોકોએ બચાવી લીધી. પાણીનું વહેણ તેજ હોવાથી અને કેનાલ ઊંડી હોવાથી બાળકોને શોધવામાં મુશ્કેલી આવી. મહિલા અંજૂના પરિજનોના જણાવ્યા મુજબ, તેનો પતિ ખૂબ દારૂ પીવે છે.
તેના કારણે બંને વચ્ચે અનેકવાર ઝઘડા થતા હતા. તેઓ બે દિવસ પહેલા જ અંજુને મળીને આવ્યા હતા, ત્યારે ઘરમાં બધું ઠીક-ઠાક હતું, પરંતુ ત્યારબાદ શું થયું તેની તેમને ખબર નથી. અંજૂ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. મહિલાએ પોતાના પતિ પર ત્રાસ આપવા અને મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે તેનો દારૂડિયો પતિ તેની સાથે અનેકવાર મારઝૂડ કરે છે. જેના કારણે તે પરેશાન રહેતી હતી. બાળકોની તલાશ માટે પોલીસ ડાઇવર્સની મદદ લઈ રહી છે. બાળકોની કોઈ પણ ભાળ નથી મળી રહી. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.