Western Times News

Gujarati News

બે હોમગાર્ડે NRI પાસેથી ૧૮ હજાર રોકડ, દારૂની બોટલ પડાવી

અમદાવાદ, અમદાવાદ શહેરમાં નાગરિકોને લૂંટવામાં ગુનેગારો જ નહિ પરંતુ હવે લૂંટારુઓની ગણતરીમાં હોમગાર્ડ જવાનો પણ આવી રહ્યા છે. તાજેતરમાં જ ઇસનપુરમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. નવ હજાર પડાવ્યા હતા.

ત્યારે હવે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પાસે બે હોમગાર્ડના જવાનોએ એનઆરઆઈ પાસેથી રૂ.૧૮ હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી. સનગલાસ અને ઈયરપોડ પણ લઈ લીધા હતા. ઉચ્ચ અધિકારીઓને રજુઆત કર્યા બાદ હવે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને હોમગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

મહેસાણાના ઊંઝા ખાતે ધરતી સોસાયટીમાં રહેતાં સ્નેહલભાઈ પટેલ અમેરિકા રહે છે. સ્નેહલભાઈ અવારનવાર તેમના પરિવારજનોને મળવા માટે ઊંઝા ખાતે આવતા રહે છે. સ્નેહલભાઈ ડિસેમ્બર મહિનામાં અમેરિકાથી મુંબઈ આવ્યા અને વિલે પારલે ઈસ્ટ ખાતે હોમ કોરન્ટાઈન થયા હતા.

૧૦ ડિસેમ્બરના રોજ સ્નેહલભાઈ તેમના સાળા પ્રતિક પરીખની કાર લઈ મુંબઈથી સવારે ઊંઝા આવવા નીકળ્યા હતા. અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલટેક્સ પાસે બપોરે પહોંચ્યા ત્યારે ખાખી કપડામાં રહેલા બે શખ્સે તેમની કાર રોકી ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા તેઓએ આપ્યું હતું.

બન્ને શખ્સે સ્નેહલભાઈને સાઈડમાં ઉભા રહેવા જણાવી કારમાં તપાસ શરૂ કરી હતી. સ્નેહલભાઈ તેઓને ડ્યૂટી ફ્રી શોપમાંથી કાયદેસર ખરીદેલી દારૂની બોટલ બેગમાં હોવાનું સામે ચાલીને કહ્યું હતું. ખાખી કપડામાં રહેલા શખ્સોએ ગાડી જમા લેવી પડશે. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે કેસ થશે તેવી વાતો કરી સ્નેહલભાઈને ડરાવી દીધા હતા. સ્નેહલભાઈને બન્નેએ પતાવટ કરવી પડશે

તેમ કહી ડરાવી દારૂની બે બોટલ, રોકડ ૧૮ હજારની રકમ પડાવી કહ્યું કે, જતા રહો સાહેબની ગાડી આવશે. આથી સ્નેહલભાઈ કાર લઈને નીકળી ગયા હતા. ઊંઝા પહોંચ્યા બાદ બે-ત્રણ દિવસ પછી તેઓને ધ્યાને આવ્યું કે કારમાં મૂકેલા સનગ્લાસ, વાયરલેસ ઈયરપોડસ અને લેધર બેલ્ટની પણ ખાખી યુનિફોર્મમાં રહેલા પોલીસ જેવા લાગતા શખ્સોએ ચોરી કરી લીધી છે. સ્નેહલભાઈએ બે દિવસ બાદ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ઘટનાની રજૂઆત કરી હતી. કમિશનરે ઝોન ૫ ડીસીપી અચલ ત્યાગીને લેખિત અરજી આપવા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.