Western Times News

Gujarati News

બૉલીવુડના મ્યુઝિક કમ્પોઝર રાહુલ જૈન સામે બળાત્કારની ફરિયાદ થઇ

મુંબઇ, ૩૬ વર્ષની મહિલા ગીતકારે મ્યુઝિક કમ્પોઝર અને ગીતકાર રાહુલ જૈન સામે ગયા અઠવાડિયે નોંધાવેલી ફરિયાદને પગલે ઓશિવરા પોલીસે લગ્નની લાલચ આપીને યુવતી પર બળાત્કાર કરવા બદલ રાહુલ સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતા બે વખત ગર્ભવતી થઈ હતી અને બન્ને વખત રાહુલે તેને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. ત્રીજી વખત મહિલાએ ગર્ભપાતની ના પાડીને ગયા માર્ચમાં છોકરાને જન્મ આપ્યો હતો. જાેકે રાહુલે બાળકને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને મહિલાને ઘર છોડીને જવાની ફરજ પાડી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘મહિલા ૨૦૧૮માં તેના પતિ અને સંતાનો સાથે મુંબઈ આવી હતી. તે બે લોકપ્રિય મ્યુઝિક કમ્પોઝર્સની ઑફિસમાં પહેલી વખત રાહુલને મળી હતી. મહિલાએ સંખ્યાબંધ સિરિયલો અને ફિલ્મો માટે ગીતો લખ્યાં છે.’રાહુલ જાણતો હતો કે મહિલાને તેના પતિ સાથે તનાવગ્રસ્ત સંબંધો છે અને એનો ફાયદો ઉઠાવીને રાહુલ તેની નજીક આવ્યો હતો અને લગ્નની લાલચ આપીને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો.

૨૦૧૯માં પતિથી છૂટાછેડા લીધા બાદ મહિલા લોખંડવાલામાં રાહુલે ભાડે લીધેલા ફ્લૅટમાં તેની સાથે રહેવા લાગી હતી. પુત્રના જન્મ બાદ રાહુલે ઘરેથી કાઢી મૂક્યા બાદ અને પોતે તેની પાસે લેવાના નીકળતા ૨૫ લાખ રૂપિયા આપવાનો ઇનકાર કર્યા બાદ મહિલાએ ઍડ્‌વોકેટ ચંદ્રકાંત અંબાણીની મદદથી ઓશિવરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઍડ્‌વોકેટ ચંદ્રકાંત અંબાણીએ જણાવ્યા મુજબ ‘આ સત્તાનો દુરુપયોગ છે. રાહુલ જેવા લોકો અન્યોનો ફાયદો ઉઠાવીને તેમનું માનસિક-જાતીય શોષણ કરે છે. આવા લોકોને છોડવા ન જાેઈએ. તેમની સામે કડક કાર્યવાહી થવી જાેઈએ જેથી કોઈ ફરી આવું કરવાની હિંમત ન કરે.’

ઓશિવરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ‘આઇપીસીની કલમ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે હજી સુધી ધરપકડ કરાઈ નથી.’આરોપી રાહુલ જૈને ૨૦૧૬માં હિન્દી ફિલ્મ ‘ફીવર’ના ગીત ‘તેરી યાદ’ સાથે બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. તેણે ૨૫૦થી વધુ મ્યુઝિકલ ટ્રૅક્સ કમ્પોઝ કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.