બોગસ કેમ્પમાં રસી લેનારા TMC સાંસદ મિમી ચક્રવર્તીની તબિયત બગડી

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ‘બોગસ’ રસીકરણ કેમ્પનો શિકાર બનેલા તૃણમૂલ કાૅંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીની તબિયત શુક્રવારે બગડી છે. તેમણે ચાર દિવસ પહેલા શહેરના કસ્બા વિસ્તારમાં આયોજિત એક કેમ્પમાં કોરોનાની વેક્સીન લીધી હતી. રસી લીધા બાદ તેમને કંઈક ગોટાળાની શંકા પડી હતી અને તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે તપાસ કરતા વેક્સીનનો મોટો ગોટાળો સામે આવ્યો હતો. હાલ ઘરે જ તેમની સારવાર ચાલી રહી છે.
રિપોર્ટ પ્રમાણે ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તી વેક્સીન લીધા બાદ બીમાર પડી ગયા છે. શનિવારે સવારે ડૉક્ટર તેમના ઘરે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને પેટમાં અસહ્ય દુઃખાવો થઈ રહ્યો છે તેમજ ખૂબ પરસેવો વળી રહ્યો છે. તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી. જાેકે, તેમણે પોતાના ઘરે જ સારવાર લેવાની વાત કરી હતી.
રિપોર્ટ પ્રમાણે ચક્રવર્તીને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની છે. જાેકે, હજુ સુધી એવું સ્પષ્ટ નથી થયું કે તેમને ઇન્જેક્શનને કારણે કોઈ પરેશાની થઈ છે કે કેમ. આ અઠવાડિયાની શરૂઆતમાં ટીએમસી સાંસદને એક વેક્સીન કેમ્પમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વેક્સીન લીધા બાદ એસએમએસ ન મળ્યા બાદ તેમને આ પ્રક્રિયામાં કોઈ ગરબડ હોવાની શંકા પડી હતી.
તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે વેક્સીની ભલે નકલી હતી પરંતુ તે હાનિકારક ન હતી. સાંસદે જણાવ્યું કે, કેમ્પ પર ઉપયોગમાં લેવામાં આવતા વાયલ્સને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. આગામી ચાર-પાંચ દિવસમાં તેનું પરિણામ આવી શકે છે.
કોલકાતામાં થોડા સમયથી ‘બોગસ વેક્સીન કેમ્પ’ની ચર્ચા ચાલી રહી છે. અહીં દેબાંજન દેવ નામના એક વ્યક્તિએ પોતાને આઈએએસ અધિકારી જણાવીને વેક્સીન કેમ્પનું આયોજન કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટીએમસી સાંસદ સહિત બે હજારથી વધારે લોકોએ વેક્સીન લીધી હતી. આ અંગે ખુલાસો થયા બાદ પોલીસ વેક્સીન કેમ્પ ખાતે પહોંચી હતી. પોલીસને અહીંથી ઉપયોગમાં લેવામાં આવતા વાયલ પર એક એન્ટિબાયોટિક ઇન્જેક્શનનું બોગસ લેબલ મળ્યું હતું.