Western Times News

Gujarati News

બોગસ ડીગ્રીના આધારે વિદેશ જવાના કૌભાંડનો પર્દાફાશ

છત્તીસગઢની યુનિર્વસિટીની બોગસ ડીગ્રી ખરીદીને વિઝા મેળવી લંડન જતાં બે વિદ્યાર્થીઓ ઝડપાયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બોગસ દસ્તાવેજના આધારે વિદેશ મોકલવાના ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા બે દિવસથી વિદેશ જતાં નાગરીકોના અને ખાસ કરીને વિદ્યાર્થીઓના તમામ દસ્તાવેજાની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી રહી છે.

જેમાં ગઈકાલે રાત્રે છત્તીસગઢની યુનિવર્સિટીની બોગસ ડીગ્રી ખરીદી યુકે ના વિઝા મેળવીને અમદાવાદ એરપોર્ટ પરથી યુકે જવા નીકળેલા બે યુવકોને ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ અટકાવીને બન્નેની સામે ફરીયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાથી એરપોર્ટ સતાવાળાઓ પણ ચોંકી ઉઠ્યા છે અને અન્ય રાજ્યોની ડીગ્રી મેળવતા વિદ્યાર્થીઓનું સઘન ચેકીંગ કરવામાં આવ્યુ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ એરપોર્ટ પર બોગસ દસ્તાવેજાને આધારે વિઝા મેળવી યુવકોને વિદેશ મોકલવાનું ષડયંત્રનો તાજેતરમાં જ પર્દાફાશ થયો છે. સ્ટુડન્ટસ વિઝા પર યુવકોને વિદેશ મોકલવાનું આ એક વ્યવસ્થિત  કૌભાંડ ચાલતું હતુ. જેમાં કેટલાંક રાજ્યોની યુનિવર્સિટીની બોગસ ડીગ્રીઓ રૂપિયા લઈને આપવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટના અધિકારીઓની સતર્કતાના કારણે બે વિદ્યાર્થીઓને ઝડપી લેવાયા બાદ તેઓની પૂછપરછમાં મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર દસ્તાવેજાનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.

ગઈકાલે રાત્રે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આણંદના રહેવાસી કયુર નરેન્દ્ર પટેલ નામનો યુવક સ્ટુડન્ટ વિઝા પર યુકે જવા માટે આવ્યો હતો. અને તેની પાસે છત્તિસગઢની સી.વી.રમન યુનિવર્સિટીની ડીગ્રી હતી. અન્ય રાજ્યની આ ડીગ્રી પરથી ઈમિગ્રેશન ઓફિસર મિલેન્દુને શંકા ગઈ હતી.

અન્ય રાજ્યની ડીગ્રી મળતા જ ઈમિગ્રેશન ઓફિસર મિલેન્દુએ કેયુરને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી. સઘન પુછપરછમાં આખરે કેયુર ભાંગી પડ્યો હતો. અને તેણે કબુલ્યુ હતુ કે વલ્લભવિદ્યાનગરના એક એજન્ટ મારફતે રૂ.પ૬ હજાર ખર્ચીને આ બોગસ ડીગ્રી મેળવી હતી.અને ત્યારબાદ તે એમ્બેસીમાં હાજર થઈ ત્યાં આ તમામ બોગસ દસ્તાવેજા રજુ કર્યા હતા અને વિઝા મેળવ્યા હતા.

આ કેસમાં બોગસ ડીગ્રી મેળવનાર કેયુર પટેલ ઉપરાંત સી.વી.પટેલ તથા વિઝા માટેની જરૂરી કાર્યવાહી કરનાર કલ્પેશ પટેલ નામના શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઈમિગ્રેશન ઓફિસર મિલેન્દુએ આ અંગે કેયુર પટેલ સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા અમદાવાદ એરપોર્ટ પોલીસે કેયુર પટેલની એરપોર્ટ પરથી જ ધરપકડ કરી તેના બે સાથીદારોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

એરપોર્ટ પરથી બોગસ ડીગ્રીના આધારે વિઝા મેળવીને યુકે જવાનો પ્રયાસ કરનાર કેયુર પટેલને ઝડપી લીધા એરપોર્ટ સત્તાવાળા વધુ સતર્ક બન્યા હતા. આ દરમ્યાનમાં સ્ટુડન્ટ વિઝા પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓ યુકે જવા માટે ઈમિગ્રેશનની લાઈનમાં ઉભા હતા ત્યારે આ તમામ વિદ્યાર્થીઓના દસ્તાવેજાની પણ ચકાસણી શરૂ કરવામાં આવી હતી.

આ દરમ્યાન એર ઈન્ડીયાની ફલાઈટમાં યુકે જવા માટે વિઝા સાથે ઈમિગ્રેશનની લાઈનમાં ઉભેલા સાગર પ્રમોદ પ્રજાપતિ નામના યુવકનો નંબર આવતા તેની પાસે પણ અન્ય રાજ્યની ડીગ્રી હતી. જેના આધારે ઈમિગ્રેશન ઓફિસર જીગર પંચાલ સતર્ક બન્યા હતા અને સાગર પ્રજાપતિ પાસે પણ છત્તીસગઢની ડો.સી.વી.રમણ યુનિવર્સિટીની બોગસ ડીગ્રી હોવાથી તાત્કાલિક તેની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. અને સાગરની પૂછપરછ કરવામાં આવતા તે પણ ભાંગી પડ્યો હતો.

સાગર પ્રજાપતિની કડકાઈથી પૂછપરછ કરતાં ઈમિગ્રેશનના અધિકારીઓ સમક્ષ તેણે કબુલ્યુ હતુ કે નડીયાદના એક શખ્સ દ્વારા રૂ.૪ર હજારમાં આ બોગસ ડીગ્રી મેળવી હતી. અને ત્યારબાદ ખેડાના એક શખ્સ મારફતે તેણે વિઝાની કાર્યવાહી કરી હતી. સાગર પ્રજાપતિએ કરેલી કબુલાત બાદ તાત્કાલિક ઈમિગ્રેશનના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. ઘટનાની જાણ થતાં ફરી એક વખત એરપોર્ટ પોલીસ સતર્ક બની હતી અને તાત્કાલિક રીતે એરપોર્ટ પર પહોંચી જઈ સાગર પ્રજાપતિની ધરપકડ કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં તેને મદદ કરનાર આઈસેક  ઈન્સ્ટીટ્યુટના સંચાલક અને અન્ય એક શખ્સની વિરૂધ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યા અને તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આમ, એક જ રાતમાં એક જ યુનિવર્સિટીની બોગસ ડીગ્રી મેળવીને વિદેશ જવાનો પ્રયાસ કરનાર બે યુવકોને ઝડપી લેવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. અને આ સમગ્ર ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. આ ષડયંત્રમાં વધુ કેટલાંક શખ્સોની ધરપકડ કરવામાં આવે એવું મનાઈ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.