Western Times News

Gujarati News

બોગસ ડોક્યુમેન્ટ બનાવીને છેતરપિંડી કરી સરકારી જમીન વેચી નાખનારા બે ઝડપાયા

રાજકોટના મોટા મવાની પાંચ એકર અને ૯ ગુંઠા સરકારી જમીનનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ૭૩ લાખમાં વેચી દીધી હતી

રાજકોટ,  રાજકોટમાં સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે વેચી દેવાનું કૌંભાડ સામે આવ્યું છે. મોટા મવાની ૫ એકર અને ૯ ગુંઠા સરકારી જમીનનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેચી દેનાર બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે. બન્ને આરોપીઓ સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રાજકોટ પોલીસના સકંજામાં બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ અને કેતન વોરા આવી ગયા છે. આ બંને શખ્સો પર આરોપ છે સરકારી જમીનનાં બોગસ દસ્તાવેજાે ઉભા કરીને જમીન વેચી દેવાનો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો મોટા મવા ગામની સર્વે નં.૧૩૫/૧ની ૫ એકર અને ૯ ગુંઠા જમીનને અડીને આવેલી સરકારી ખરાબાની સર્વે નં.૧૮૦ જમીન મામલતદારના નામે ખોટા સહી સિક્કા બનાવી ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો.

આ જમીન ૭૩ લાખમાં બારોબાર તંત્રને ગંધ પણ ન આવી અને વેચી નાંખી હતી. પરંતુ ખરીદનારને કૌભાંડ અંગે જાણ થતા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તાલુકા મામલતદારે તપાસ કરતા સ્ફોટક વિગત બહાર આવી અને તાલુકા પોલીસે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ બંને શખ્સ તથા તપાસમાં ખુલે તે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસનાં કહેવા મુજબ, ૧૭ જાન્યુઆરી ૨૦૨૦નાં ફરીયાદી અશ્વિનભાઇએ મોટા મવા ગામની સર્વે નં.૧૮૦ પૈકીની જમીન મેળવવા આરોપી કેતન વોરાનો સંપર્ક કર્યો હતો. કેતને તેની મુલાકાત બહાદુરસિંહ નામના વ્યકિત સાથે કરાવી હતી. કેતન અને બહાદૂરસિંહે અશ્વિનભાઈને છેતરવાનો પ્લાન બનાવ્યો અને આ સરકારી જમીન ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી હતી.

બાદમાં મહેસુલ વિભાગ, કલેકટરના હુકમો, ગામ નમૂના નંબર, મામલતદાર કચેરીના કાગળો, નેશનલ ઈન્ફરમેટિક સેન્ટરના ખોટા દસ્તાવેજાે બનાવી ટૂકડે ટૂકડે અશ્વિનભાઈ પાસેથી રૂ.૭૩ લાખ જેવી રકમ પડાવી લીધી હતી.

રાજકોટમાં સરકારી જમીનો પર હાલમાં પણ ભૂ માફિયાઓના દબાણ થયેલા છે. પોલીસને પણ અનેક સરકારી લગડી જેવી જમીનનોની અરજીઓ મળે છે. જાેકે લેન્ડ ગ્રેબિંગનાં કાયદામાં કલેક્ટરને સાંકળવામાં આવ્યા હોવાથી ભૂ માફિયાઓ સામે ગુનો દાખલ કરવા કલેક્ટર આદેશ આપે છે. જેથી પોલીસ તંત્ર પણ હવે ભુ માફિયાઓ સામે ગાળીયો કસી રહ્યું છે. ફરીયાદી અશ્વિનભાઈએ રૂપિયા આપ્યા તેના વીડિયો રેકોર્ડિંગ પણ પ્રાંત અધિકારી સમક્ષ રજુ કર્યા છે. ત્યારે પોલીસ તપાસમાં કેટલા આરોપીઓના નામ ખુલે છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.