Western Times News

Gujarati News

બોગસ બિલીંગ કૌભાંડ અને ટેક્સ ચોરી કરતા વ્યાપારીઓ સામે કડક પગલા લેવાશે : નીતિનભાઇ પટેલ

રાજ્ય વેરા ભવન-અમદાવાદના નવિનીકૃત મકાનનું લોકાર્પણ- પ્રજાનો એક-એક પૈસો પ્રજાના ઉત્કર્ષ માટે વપરાશે –નાયબ મુખ્યમંત્રી શ્રી 

વેરા અને વાણિજ્યની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અત્યાધુનિક સુવિધાઓ અને ડિજીટલ કનેક્ટીવિટીથી સજ્જ આ નવીન બાંધકામ કાર્યક્ષમતામાં વધારો કરશે

કોરોનાકાળ વચ્ચે પણ 1 લાખ 60 હજાર જેટલા નવા વેપારીઓએ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન કરાવ્યું

રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ પત્રકારો સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, ૪૦ વર્ષ જૂના બિલ્ડીંગનું આજે નવીનીકરણ થઇ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મકાન મળ્યું છે. જી.એસ.ટી. સેવાઓને દેશભરમાં 4 વર્ષ પૂરા થયા છે

ત્યારે કરવેરા ભવનનું સુદ્રઢીકરણ કરી તેને ડિજીટલ કનેક્ટિવિટી સાથે અન્ય માળખાગત સુવિધાઓથી સજ્જ કરવું સમયની માંગ હતી. જેના પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારે સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. વેરા અને વાણિજ્યની લગતી તમામ કામગીરી અને વેરા થી થતી આવકનું સુવ્યવસ્થાપન કરવામાં આ નવીન બાંધકામમાં ઉપલબ્ધ સેવાઓ કારગર સાબિત થશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં જી.એસ.ટી. અને વેટ થી થતી આવકની અહમ ભૂમિકા છે. રાજ્યની અંદાજીત 70 થી 80 ટકા જેટલી આવક વિવિધ પ્રકારના વ્યાપાર પરના જી.એસ.ટી. અને પ્રેટ્રોલ અને ડીઝલ પર લાગતા વેટ ટેક્સમાંથી થાય છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રથમ છ  માસમાં જી.એસ.ટી. અને વેટમાંથી થતી આવકમાં વધારો  જોવા મળ્યો છે.

તેમણે કહ્યુ કે, કોરોનાના કપરા કાળમાં રાજ્ય અને દેશમાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઇ તેવા સમયે સમયે પણ રાજય સરકારે સુદ્રઢ આયોજનના લીધે જનસુખાકારીના કામો અટકવા દીધા નથી અને વિકાસયાત્રા અવિરત ચાલુ રાખી છે. કોરોનાકાળમાં પણ રાજ્યના નાગરિકોને સરકારી હોસ્પિટલમાં 5000 કરોડ રૂપિયાના માતબર ખર્ચે નિશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવી છે.

અન્ય રાજ્યો દ્વારા કોરોના મહામારીમાં જી.એસ.ટી. કાઉન્સીલ પાસેથી નાણાકીય સહાય માંગવામાં આવી રહી હતી ત્યારે પણ ગુજરાત રાજ્યે ક્યારેય જી.એસ.ટી. કાઉન્સીલ પાસે મદદ માગવી પડી નથી. ગુજરાત રાજ્યની ગણના દેશના વિકસીત રાજ્યમાં થાય છે તેને કોરોનાકાળમાં પણ રાજ્ય સરકારે સાર્થક કરી બતાવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના નાગરિકોને પગભર બનાવવા આત્મનિર્ભર ભારત અભિયાન કાર્યરત કરવામાં આવ્યું તેમ જણાવી નાયબ મૂખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અમારી ટીમે ગુજરાત રાજ્ય દ્વારા આત્મનિર્ભર ગુજરાતના ઉપલક્ષ્યમાં વિવિધ નાણાકીય સેવાઓ જેવી કે ,ટેક્સ ભરવાની મુદ્દત વધારવી,

બેંકના હપ્તાના વ્યાજની મુદ્દત વધારવી, વ્યાજદરમાં ઘટાડો કરવા જેવા પ્રજાલક્ષી નિર્ણયો હાથ ધર્યા છે. આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ જ રાજ્ય સરકાર દ્વારા વીજળીબીલો, પ્રોપર્ટીટેક્સમાં માફી આપીને કોર્પોરેશન, નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયતોને સરકારી તીજોરીમાંથી નાણા સહાય નાગરિકો વતી કરવામાં આવી છે.

તેમણે કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ જ્યારે નિયંત્રણ હેઠળ આવી છે ત્યારે અગાઉની જેમ જ ધંધા, રોજગારને ફરીથી પૂર્વવત કરીને રાજ્યના નાગરિકોના પણ આર્થિક સ્તર વેગવંતા બનાવવા સરકારે આયોજનબધ્ધ પગલા લીધા છે. કોરોના કાળના શરૂઆતના સમયમાં લોકડાઉનની પરિસ્થિતિઓમાં રાજ્ય પરિવહન ઠપ્પ થવાના કારણે પેટ્રોલ અને ડીઝલના વેટ ટેક્સમાંથી થતી આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આ વર્ષે પૂર્વવત બન્યો છે.

રાજ્યમાં જી.એસ.ટી. અમલી થયું ત્યારથી જ જી.એસ.ટી. કાઉન્સીલમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત પણે રાજ્ય સરકારને જી.એસ.ટી.ના અમલીકરણ થી થતી ખોટ પૂરવા નાણાકીય સહાય કરવામાં આવી રહી છે.

ગત માસમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકેના અમારી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે અમારા કાર્યકાળ દરમિયાનના કામોમાં હાલ પણ 1.5 લાખ કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પો હાલ અમલમાં છે તે અમે નોંધ્યું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યુ કે, રાજ્યમાં એક જીલ્લાથી અન્ય જીલ્લા અને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં વેપારીઓને પરિવહન માટે 50 હજારથી વધુની રકમના માલ-સામાન માટે ઇ-વે બીલ ની ચૂકવણી ફરજીયાત બનાવી છે ત્યારે ગુજરાત રાજ્ય ઇ-વે બીલ જનરેશન માં પણ દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

રાજ્ય સરકારે બોગસ બિલીંગ કરતા અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. કોરોના કાળમાં પણ 1 હજાર કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કરીને તે તમામ વ્યાપારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરીને પ્રજાના નાણા પ્રજાના ઉત્કર્ષ માટે સંપૂર્ણપણે ઉપયોગમાં લેવામાં આવે તે માટેની સરકારની કટિબધ્ધતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

આજે રાજ્ય કરવેરા ભવનના નવનિર્મિત બિલ્ડીંગના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ જીલ્લાની કરવેરા વિભાગની કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી.

નાણા વિભાગના મુખ્ય કમિશ્નરશ્રી જે.પી.ગુપ્તા દ્વારા જીએસટી એનાલિટીક્સ અને ઇન્ટેલીજન્સ નેટવર્ક (GAIN) અને RFID આધારિત NIC ની સિસ્ટમના ઉપયોગ દ્વારા મોટાપાયે ચકાસણીની કામગીરી પધ્ધતિ થી નાણામંત્રી શ્રી નીતિનભાઇ પટેલને માહિતગાર કરવામાં આવ્યા હતા.

લોકાર્પણ પ્રસંગે નાણા વિભાગના મુખ્ય કમિશ્નરશ્રી જે.પી.ગુપ્તા, નાણા વિભાગના સચિવ શ્રી મીલિંદ તોરવણે, સ્પેશીયલ કમિશ્નરશ્રીસમીરવકીલ,અધિક કમીશ્નરશ્રી કિરણ ઝવેરી, રાજ્ય વેરા ભવનના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.