બોડકદેવના ઈમ્પ્રેશન સલૂન સહિત ત્રણ એકમને ગંદકીના મામલે સીલ કરાયા
(એજન્સી) અમદાવાદ,
શહેરને પ્રતિબંધિત પ્લાસ્ટિકથી મુકત કરવાના ભાગરૂપે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ‘માય સિટી, માય પ્રાઈડ’ ઝુંબેશ શરૂ કરાઈ છે, જે અંતર્ગત આજથી તંત્ર દ્વારા ‘પ્લાસ્ટિક ઘોસ્ટ ગેંગ’ કાર્યરત કરવામાં આવી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણની આગેવાની હેઠળ શહેરના કોમર્શિયલ વિસ્તારો અને માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ ન કરવાના મામલે સમજૂતી સાધવા ‘પ્લાસ્ટિક ઘોસ્ટ ગેંગ’ને આજથી ફરજ પર તહેનાત કરાઈ છે.મધ્ય ઝોનના ખાડિયાના દાણાપીઠ વિસ્તારથી આ ગેંગનો પ્રારંભ કરાયો છે.
દરમિયાન શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં તંત્ર દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવાના મામલે વધુ ત્રણ ધંધાકીય એકમને સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાં બોકડદેવના જજીસ બંગલો ચાર રસ્તા પરના ઈમ્પ્રેશન સલૂન, ચાંદલોડિયાના વંદે માતરમ રોડ પરના સેવી સ્વરાજ આકાંક્ષાના જશુબહેન શાહ ઓલ્ડ પિઝા અને અજય શોપને તંત્રે જાહેર રોડ પર કચરો ફેંકીને ન્યૂસન્સ કરવાના મામલે તાળા મારી દીધાં હતાં.
આ ઉપરાંત સમગ્ર ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના અમલવારી મામલે કુલ ૧૭૮ જેટલા એકમોની તપાસ કરાઈ હતી, જે પૈકી નિયમોના ઉલ્લંઘન બદલ ૧૬૬ એકમોને નોટિસ ફટકારાઈ હતી તેમજ કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.૧,૩પ,પ૦૦નો આકરો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો અને ર.પ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.