બોડેલીથી રેતી ભરી આવતી હાઈવા ટ્રકે પલ્ટી મારી

બોડેલીથી રેતી ભરી આવતી હાઈવા ટ્રકે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઝઘડિયા પાસે રોંગ સાઈડ પલ્ટી મારી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાની મુલદ ચોકડી થી ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, પ્રતાપ નગર અને રાજપીપળા સુધીનો સરદાર પ્રતિમાને જાેડતો ધોરીમાર્ગ અતિ વ્યસ્ત રહે છે. ઝઘડિયા તાલુકામાં ઉત્પાદન થતાં ખનીજ તેમજ બોડેલી તરફ થી આવતી રેતીના વાહનોની આવન જાવન મોટા માત્રા માં રહે છે.
ગુરૂવારની વહેલી સવારે બોડેલી તરફ થી ઝઘડિયા તરફ આવતી એક રેતી થી ભરેલી મોટી ટ્રક ઝઘડિયા ચોકડી પસાર કર્યા બાદ સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર રોંગ સાઈડ પર ઘુસી જઈ વ્યાયામ શાળાના કંપાઉન્ડમાં પલ્ટી મારી ગઈ હતી.જાે કે સદ્દનસીબે હાઈવા ટ્રક ચાલકને કોઈ મોટી જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ મળી રહ્યા છે.
રેતી ભરેલી ટ્રક પલ્ટી જવાના કારણે ઝઘડિયા ચાર રસ્તા પર બનાવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરને મોટું નુકસાન થયું છે અને ટ્રકને પણ મોટું નુકસાન થયેલ છે.આ બાબતે હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ હોવાનું બહાર આવ્યું નથી.*