બોપલમાં નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા હાર્દિક હાઈકોર્ટમાં
અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિરુદ્ધ ૨૦૧૭માં બોપલમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અને એ સંદર્ભે નીચલી કોર્ટમાં થયેલી કાર્યવાહીને હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવી છે. હાર્દિક પટેલ વિરુદ્ધ થયેલી ફરિયાદમાં એવા આક્ષેપ હતા કે, ડિસેમ્બર ૨૦૧૭માં હાર્દિકે અન્યો સાથે મળીને બોપલ-ઘૂમા વિસ્તારમાં રેલી કાઢી હતી. જાે કે, આ રેલીને સત્તાધિશો દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. માટે તેણે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના આદેશનો ભંગ કર્યો છે. આ કેસમાં હાર્દિક તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી હતી કે, ‘કલમ ૧૮૮ હેઠળની ફરિયાદ ટકી શકે તેવી નથી કારણકે જ્યારે કોઈ જાહેર સેવક કે જેના આદેશનો ભંગ કરવામાં આવ્યો હોય તે સામેથી ફરિયાદ કરે ત્યારે જ કોર્ટ સંજ્ઞાન લઈ શકે. પરંતુ પ્રસ્તુત કેસમાં માત્ર ફરિયાદ નોંધાતા હાર્દિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
જેથી એ ટકી નહીં શકે. તાજેતરમાં પરસોત્તમ સોલંકી વિરુદ્ધ ગુજરાત સરકારના કેસમાં પણ આ સિદ્ધાંતના આધારે હાઈકોર્ટે આદેશ કર્યા હતા. વધુમાં એવી રજૂઆત કરાઈ કે, આઈપીસીની કલમ ૧૮૮ હેઠળના ગુનામાં ચાર્જશીટ ફાઈલ કરી દેવાઈ છે અને મેજિસ્ટેરિયલ કોર્ટે સંજ્ઞાન પણ લીધું છે. જ્યારે કલમ ૧૮૮ હેઠળ આરોપીની સામે કાર્યવાહી કરવા માટે સીઆરપીસીની કલમ ૧૯૫ની પ્રક્રિયાનો અમલ ફરજિયાત કરવાનો રહે છે.
આ કલમનો આશય છે કે જાહેર સેવક દ્વારા ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવે. આ જાેગવાઈઓ સ્પષ્ટ કરે છે કે જાે કોઈ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલા આદેશોનો ભંગ થયો હોય કે અવમાનના થઈ હોય તો તેની લેખિતમાં ફરિયાદ ન આપવામાં આવે ત્યાં સુધી કોર્ટ સંજ્ઞાન ના લઈ શકે છે. તેથી હાર્દિક પટેલ સામે થયેલી કાર્યવાહી કાયદાની જાેગવાઈઓથી વિપરીત છે અને તેને રદ્દ કરવામાં આવે. રાજ્ય સરકાર તરફથી આ અરજીનો સૈદ્ધાંતિક વિરોધ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની રજૂઆત બાદ હાઈકોર્ટના જસ્ટિસ એ.જી. ઉરેઝીએ રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. કેસની વધુ સુનાવણી ૧૨મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.SSS