બોપલમાં મોલ મેનેજરની સામે ગુનો નોંધાયો
બોપલમાં ચેકિંગ કરતાં સેલીબ્રેશન સીટી સેન્ટર ખાતે આવેલા સ્ટાર બજાર મોલમાં ૬૦થી વધુ જણા એકઠા થયેલા હતા.
અમદાવાદ, સતત ધમધમી રહેલું અમદાવાદને કોરોનાના કહેરે બાનમાં લીધુ છે. 24 કલાક ધમધમતુ અમદાવાદ હાલમાં સુમસાન ભાસી રહ્યુ છે. શહેરમાં પોલિસે મંગળવારના દિવસે કડક વલણ અપનાવ્યુ હતું અને રસ્તે આવતા જતાં લોકોને રોકીને પરત મોકલ્યા હતા.
નોવેલ કોરોના વાઇરસ જે રીતે વકરી રહ્યો છે, તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોગ પ્રસરે નહી માટે સરકાર દ્વારા ૧૪૪ કલમ લાગુ કરીને ચારથી વધુ ભેગ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. એટલું જ નહી પોલીસ દ્વારા પીસીઆર વાન દ્વારા બોપલના સમગ્ર વિસ્તારમાં અવાર નવાર જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમ છતાં ગઇકાલે બપોરે પોેલીસે બોપલમાં ચેકિંગ કરતાં સેલીબ્રેશન સીટી સેન્ટર ખાતે આવેલા સ્ટાર બજાર મોલમાં ૬૦થી વધુ જણા એકઠા થયેલા હતા. સેલીબ્રેશન સેન્ટરમાં પાછળની તરફ આવેલા આ મોલમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે લોકો આવ્યા હતા.
ફરજ પરના કર્મચારીઓએ માસ્ક પણ પહેરેલા ન હતા અને ખરીદી કરવા આવતા તથા કર્મચારીઓ માટે મોલમાં સેનેટાઇઝર જેવી સ્વાસ્થ્યને લગતી જરુરી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. જેથી પોલીસે તાત્કાલીક અસરથી મોલને બંધ કરાવ્યો હતો અને મોલના મેનેજર અને એરિયા મેનેજર સામે ગુનો નોધ્યો હતો જેમાં અકબર ફારુકભાઇ પાલીવાલા (રહેવાસી- આસ્ટોડિયા ચકલા ) અને શ્રીકાંત સીતારામભાઇ શર્મા ( રહે ઃ બોપલ, શિવાલય બંગલોઝ)નો સમાવેશ થાય છે.
કેટલીક ખાનગી બેંકોમાં નાગરીકોને પ્રવેશતા જ સેનીટાઈઝર હાથમાં આપવામાં આવે છે. તેમજ કેશ કાઉન્ટર પર પણ 1 મીટર અંતર જાળવવા માટે બેરીકેડ મુકવામાં આવ્યા છે. તેમજ જ્યાં સુધી વારો ન આવે ત્યાં સુધી ખુરશીમાં બેસવા જણાવવામાં આવે છે.