બોપલમાં લોડિંગ રિક્ષા પલટી ખાઇ જતાં યુવકનું મોત

પ્રતિકાત્મક
અમદાવાદ, બોપલ વિસ્તારમાં રિંગરોડથી બીઆરટીએસ રસ્તા પર ઝડપથી લોડિંગ રિક્ષા ચાલક આવતા અચાનક જ લોડિંગ રિક્ષા પલટી જતાં ગંભીર રીતે ઘવાયેલ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી મૃતકના પિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સિંધુ ભવન રોડ પર આવેલ જાનકી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઇ દાતણિયાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરેશભાઇ જૂનાં કપડા વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો પીયુષ છે. જેમાં લગ્ન શાહપુર ખાતે એક યુવતી સાથે થયા હતા. જાેકે બંને વચ્ચે મનમેળ ન હોવાથી છૂટાછેડા થયા છે.
પીયુષ લોડિંગ રીક્ષા ચલાવે છે. ગઇ કાલે સાડા બાર વાગ્યાની આસપાસ સુરેશભાઇ ઘરે હજાર હતા ત્યારે તેમનો દીકરો તથા વિજય દંતાણી રિક્ષા લઇને ભંગાર શોધવા બોપલ તરફ નીકળ્યા હતા. પીયુષ અને વિજય લોડિંગ રિક્ષા લઇને રિંગ રોડ તરફથી બીઆરટીએસ સ્ટેન્ડથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પીયુષે કાબૂ ગુમાવતાં અચાનક જ લોડિંગ રિક્ષા પલટી ખાઇ જતા તે નીચે પટકાતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આથી પિયુષને તાત્કાલિક ૧૦૮ મોબાઇલ વાનમાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાે કે વધુ ઇજાઓના કારણે પીયુષના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી મૃતકના પિતા સુરેશભાઇએ બોપલ પોલિસ સ્ટેશનમાં ઝડપથી અને ગફલતભરી રીતે લોડિંગ રિક્ષા ચલાવી હોવાથી તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.