બોપલમાં સ્ટર્લિગ સીટીમાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરના પોશ એવા બોપલ વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ઘાયલ યુવાન નજીકમાં જ રહેતો હતો. તથા મોડીરાત્રે ઘાયલ અવસ્થામાં ગભરાયેલી હાલતમાં ભાગતો ભાગતો આવ્યો હોવાનું નજરે જાનારે જણાવ્યુ હતુ.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મોડીરાત્રે અઢી વાગ્યાના સુમારે સ્ટર્લિગ સીટીના ગેટ નજીક અત્યંત ગંભીર હાલતીમાં એક યુવાન એક્ટીવા રોડ ઉપર ફેંકી ભાગતો ભાગતો અંદર ઘુસ્યો હતો. અને અંદર જતાં જ પડી ગયો હતો. પહેરો ભરી રહેલા ચોકીદારે અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગયો હતો અને યુવાનની નજીક જઈ ઘટના જાણવાનો પ્રયત્ન કરતા તે યુવાન મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને વધુ તપાસ ચલાવતા તે મયંકગીરી ધીરજગીરી ગોસ્વામી હોવાનું બહાર આવ્યુ છે. મયંક રાત્રે અગીયાર વાગ્યે ઘરની બહાર નીકળ્યો હતો. જો કે મોડીરાત્રે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ અંગે વાત કરતા બોપલ પીઆઈ બહ્મભટે જણાવ્યુ હતુ કે મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે સવારે આઠ વાગ્યે પોલીસને જાણ કરાઈ હતી. મયંક ઘુમામાં આવેલા મંદિરના પૂજારીનો ભાણીયો છે.
બોપલ ગામમાં રહેતો અને અદ્વેત હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો મયંકગિરિ ગોસ્વામી નામનો 23 વર્ષનો યુવક કહ્યાં વગર એક્ટિવા લઈને ઘરેથી રાત્રે 11 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો.
આજે વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડે મયંકગિરિની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મયંકગિરિને રાત્રે સ્ટર્લિંગ સિટીનાં રોડ પર દોડતો એક સિક્યોરિટી ગાર્ડે જોયો હતો. પરંતુ કોઈ દારૂ પીધેલો શખ્સ હોવાનું માનીને તેણે પોલીસને જાણ કરી ન હતી. મૃતક મયંકગિરિના પગ અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે.
આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેની હત્યા કેવી રીતે થઈ તેની પાછળ કોઈ હતુ કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે. બીજી તરફ તેને નજરે જાનાર વાચેમેનની પણ પૂછપરછ થઈ રહી છે. પીઆઈના જણાવ્યા અનુસાર રાત્રે અન્ય એક સ્થળે મારામારીની ઘટના પણ બની હતી. જેથી આ અંગે ઘટના જોડાયેલ છે કે કેમ એ દિશામાં પણ તપાસ થઈ રહી છે.