બોપલ-આંબલી-ઘૂમામાં તસ્કર ટોળકી સક્રીય
બંધ મકાનોના તાળા તૂટતા લોકોમાં ચિંતા
કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા કેટલાક તત્વો સામે નાગરિકોને શંકાઃ બપોરે રેકી કરીને રાત્રે તાળા તોડતી ગેંગ સક્રિય
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં વિકાસલક્ષી થતા કામો તથા ધંધા-રોજગારની નવી સ્થિતિજાે ખુલતા અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે આવી રહયા છે. ભૌગોલિક દ્રષ્ટિએ શહેરની સીમા વધી છે. બોપલ-ઘુમા-આંબલી સહિતના અમદાવાદની આસપાસના વિસ્તારોમાં રહેણાંક અને ધંધાકીય એકમોની નવી સ્ક્રીમો ઉભી થઈ રહી છે.
આ સ્કીમોમાં કામ કરવાવાળા શ્રમિકો-મજૂરો મોટી સંખ્યામાં અમદાવાદ આવે છે. ગુજરાતની આસપાસના પડોશી રાજયોમાંથી સેંકડો શ્રમિકો- મજૂરો વર્ષે દહાડે આવે છે. કોરોના કાળમાં કોરોનાના કેસો વધતા મોટી સંખ્યામાં શ્રમિકો પોતાને વતન પરત જતા રહયા હતા તેઓ ધીમે ધીમે પરત ફરી રહયા છે.
આ શ્રમિકોની સાથે સેંકડો શ્રમિકો રોજી માટે આવી પહોંચ્યા છે. બોપલ-ઘૂમા-આંબલી વિસ્તારમાં બાંધકામને લગતી અનેક રહેણાક સહિતની સ્કીમો ચાલી રહી છે. કન્સ્ટ્રકશન અંડર પ્રોસેસમાં હોવાથી મોટી સંખ્યામાં મજૂરો આવે છે અને તેઓ તેનો રહેણાંક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે આવતા મજૂરોમાંથી કેટલાક તત્વો ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી.
બોપલમાં આવેલી સ્ટર્લિગ સીટીના સેકટર એફ-1 ના એક બંધ મકાનમાં તસ્કરો શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ મકાનના પાછળના ભાગે આવેલી સેન્ટ એન સ્કુલના કંપાઉન્ડમાંથી ઘુસ્યા હતા અને બારીની ગ્રીલ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, બારીની ગ્રીલ તોડવા માટે તસ્કરો સ્કુલના કંપાઉન્ડની નજીક પડેલી લાકડાની 7 ફૂટ મોટી લાકડાની વડી અને કોદાળી પણ લાવ્યા હતા.
પરંતુ ગ્રીલ ન તૂટતાં આગળની તરફ આવેલા મેઈન દરવાજાનું તાળું કોસ કે અન્ય કોઈ હથિયારથી તોડી અંદર ઘુસ્યા હતા. અને બેડરૂમમમાં તિજોરી તોડી હતી. પરંતુ તિજોરીમાં ખાસ કશું ન હોવાથી કાંઈ લઈ ગયા હોય તેવું જણાતું ન હતું. કોદાળી અને લાકડાની વડી ઘરમાં જ મૂકી, ત્યારબાદ મેઈન દરવાજાથી બહાર નિકળી પાછા તે જ રસ્તે ભાગી ગયા હતા.
આવા તત્વો ધ્વારા બોપલ-ઘૂમા-આંબલી સહિતના વિસ્તારોમાં “રેકી” કરાય છે જે તે સોસાયટી-ફલેટોમાં માલિક બહારગામ હોય, વિદેશ હોય કે અન્ય કામથી બહાર જવાથી મકાન બંધ હોય તો આવા મકાનોને ટાર્ગેટ બનાવાય છે. આ પ્રકારની આશંકા સ્થાનિક લોકો તરફથી વ્યકત થઈ રહી છે.
મોટી સંખ્યામાં રહેતા મજૂરોમાંથી કેટલાક ગુનાહિત માનસ ધરાવતા અગર તો આ પ્રકારની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો તરફથી સોસાયટી, ફલેટોમાં દિવસ દરમિયાન રેકી કરાય છે અને તક મળતા જ રાત્રીના સમયે બંધ મકાનોના તાળા તૂટતા હોવાની ફરિયાદ નાગરિકોમાંથી ઉઠી રહી છે.
સ્થાનિક નાગરિકોને એવી શંકા છે કે બહારના રાજયોમાંથી આવતા મજૂરો, શ્રમિકોમાંથી જ ગણ્યા-ગાંઠયા તત્વો ધ્વારા ગુનાહિત પ્રવૃતિઓ કરવામાં આવતી હશે. બીજી તરફ પોલીસે પણ આ દિશા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ વિસ્તારોમાં બંધ મકાનોની યાદી મેળવીને રાત્રીના સમયે પોલીસે પેટ્રોલીંગ સઘન બનાવીને ગુનાખોરી કરતા તત્વોને દબોચી લેવા જાેઈએ.
આ વિસ્તારમાં અનેક સ્કીમોના કામ ચાલુ છે જરૂર પડે તો સાઈટ પર જઈને કામ કરતા મજુરો-શ્રમિકોમાંથી જે લોકો ગુનાહિત માનસ કે ઈતિહાસ ધરાવતા હોય તેના પર નજર રાખવી જરૂરી થઈ ગઈ છે તેવી લાગણી સ્થાનિક નાગરિકો વ્યકત કરી રહયા છે.