બોપલ- આંબલી- શિલજમાં ગેરકાયદે દબાણોનો રાફડો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનો વિકાસ થતા તેની આસપાસ નવા વિકસીત વિસ્તારોનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે અમદાવાદમાં સમાવિષ્ટ આંબલી, બોપલ, શીલજ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર ગેરકાયદે દબાણો ઉભા થઈ રહયા છે.
અમુક સ્થળોએ તો કાચી- પાકી હાટડીઓ બનાવી દેવામાં આવી હોવાની ફરિયાદો ઉઠવા છતાં કુંભકર્ણની નિદ્રાંમાં ગરકાવ થઈ ગયેલા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની નજરે કશું પડતુ નથી. અગર તો તેઓ આ બધા ગેરકાયદે બાંધકામોની બાબતમાં આંખ મીંચામણા કરી રહયા છે તેવુ કહેવુ જાેઈએ.
એટલુ જ નહિ રસ્તાઓ પર ઠેર-ઠેર ગેરકાયદે ધંધા- વ્યવસાય કરાય છે પરિણામે ટ્રાફિકજામની સમસ્યા વકરી છે કોર્પોરેશનની સાથે ટ્રાફિક વિભાગનું પણ આ દિશામાં ધ્યાન જતુ નથી. બંધારણમાં કામ-ધંધો કરવાની દરેકને સ્વતંત્રતા છે પરંતુ તેની સાથે કાયદાનું પાલન કરવુ એટલુ જ જરૂરી છે પણ તેવુ થતુ નથી.
કાયદાને ઘોળીને પી જનારા કેટલાક લુખ્ખાતત્વો તથા ગેરકાયદે દબાણોને હપ્તા વસુલીનું સાધન બનાવીને પોતાનું વર્ચસ્વ જમાવી ચૂકેલા લોકોને કોઈ ડર કે ભય નથી અને તેઓ બેફામ કમાણી કરીને સત્તાતંત્રને જાણે કે પડકાર ફેંકી રહયા છે. આ તમામ મુદ્દે જયારે રજૂઆતો થાય અને જે તે વિસ્તારના કોર્પોરેટરનો વાંધો આવે ત્યાર પછી આંશિક પગલા લેવાય છે. ખરેખર તો શરૂઆતથી જ કડક પગલા લેવામાં આવે તો ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે જ નહિ તેની સાથે પ્રજાને પડતી મુશ્કેલીઓનો નિકાલ આવે.
નવા સમાવિષ્ટ વિસ્તારો બોપલ, આંબલી, શિલજ સહિતના વિસ્તારોમાં જવાબદાર અધિકારીઓ સમયાંતરે સર્વે કરે અને રાઉન્ડ લે તો પણ તેમને આ ગેરકાયદે દબાણોનો ખ્યાલ આવી શકે. જાે તેનો સત્વરે નિકાલ કરાવે તો સ્વાભાવિક આ વિસ્તારની જનતાને રાહતની લાગણી થાય.
પરંતુ કોણ જાણે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને આ બધુ દેખાતુ નથી. ગેરકાયદે દબાણોના કારણે એ.એમ.સી અને સત્તાધારી પક્ષ પ્રત્યે લોકોની નારાજગી વધતી જાય છે. જાે સમયસર સત્તાધારી પક્ષ કે મ્યુનિસિપલ સત્તાધીશો આ વકરતી સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત નહી કરે તો આવનારી ચૂંટણીઓમાં મતોનું વિભાજન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
અમદાવાદના નવા સમાવિષ્ટ બોપલ, આંબલી અને શિલજમાં તો ગેરકાયદે દબાણોનો રાફડો એટલો ફાટયો છે કે જેના પરિણામે જે નવા રોડ- રસ્તા ખુલ્યા છે ત્યાં ગીચ ટ્રાફિક થઈ જાય છે ઘણીવખત તો વાહન ચાલકો વચ્ચે મામલો મારામારી સુધી પહોંચી જાય છે. બોપલમાં વકીલબ્રીજની નીચે ગેરકાયદે દબાણો બેફામ વધી ગયા છે. આ સ્થળે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પરંતુ આ સ્થળે ટ્રાફિકને સંભાળવા માટે ટ્રાફિક પોલીસની કોઈ જવાબદારી જ ન હોય તેવા દ્રશ્યો જાેવા મળે છે. કમનસીબે ઓછા પોલીસ સ્ટાફના પરિણામે આ વિસ્તારની પોલીસ ચોકીઓ પણ નિર્જીવ બની ગઈ હોવાનું જણાય છે.
સ્થાનિક નાગરિકોતો એવો આક્ષેપ કરી રહયા છે કે બોપલ- આંબલી- શીલજ વિસ્તારમાં જાે તમને ટ્રાફિક પોલીસ જાેવા મળે તો આશ્ચર્ય થશે. ટ્રાફિક પોલીસની ગેરહાજરી અગર તો સંખ્યાબળ ઓછુ હોવાને કારણે વાહનચાલકો પણ બિંદાસ્ત બની જાય છે. મન ફાવે ત્યાં વાહનો પાર્ક કરીને આરામથી પોતાના કામો પતાવીને પાછા ફરનારાની સંખ્યા ઓછી નથી. તો શટલ રીક્ષાઓ તથા બેફમ વાહન હંકારવાવાળાને તો જાણે કે છૂટ મળી ગઈ હોય તેમ રોંગસાઈડે વાહન ચલાવવું, ગમે ત્યાં પાર્કિંગ કરવાની મજા પડી જાય છે.
આવા લોકો બેફમ ડ્રાઈવીંગકરે છે જેના પરિણામે જે વાહનચાલકો શિસ્તબધ્ધ રીતે પોતાના વાહનો હંકારે છે તેઓની સલામતી ભયમાં મૂકાય છે આવા ટ્રાફિક વ્યવહાર પર કોઈ જ નિયંત્રણ જાેવ મળતુ નથી. કોર્પોરેશનના સાહસિક અધિકારીઓ કે ટ્રાફિક વિભાગ ધ્વારા આ વિસ્તારોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતાથી બીજા પ્રશ્નો કે સમસ્યાઓ આકાર લે છે. આ વિસ્તારના લોકોની સમસ્યા- પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે તેની રાહમાં પ્રજા છે. બાકી તો તેના ઉકેલ અંગે પ્રજાએ જ વિચારવાનું રહેશે.