બોપલ-ઘુમાના સફાઈ કર્મીઓની હડતાળનું કોકડું ગૂંચવાતા રસ્તા પર કચરાના ઢગલા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/SouthBopal-scaled.jpg)
South Bopal
અમદાવાદ, એએમસીમાં બોપલ અને ધુમાનો સમાવેશ કરાયા પછી બંને પાલિકા-પંચાયતમાં ફરજ બજાવતા ર૦૦ સફાઈ કર્મચારીઓ કાયમી કરવાની માગ સાથે દસેક દિવસથી હડતાળ પર ઉતર્યા છે. તેથી દિવાળીના તહેવારોમાં જ સફાઈ કામગીરીની માઠી અસર થઈ છે.
સફાઈ કર્મચારીઓની હડતાળનું કોકડું ગુંચવાયેલું હોવાને કારણે બોપલ-ધુમાના વિવિધ વિસ્તારોમાં નિયમીત રીતે કચરો ન ઉપાડાતા બોપલ-ધુમાના રસ્તાઓ પર ઠેરઠેર કચરો પડેલો જાેવા મળે છે. બોપલ-ધુમામાં રસ્તાઓ પર પડેલા કચરા અને ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે.
બોપલ-ધુમામાં જાહેરમાં કેટલાક શખ્સ દ્વારા રસ્તાઓ પર કચરો ફેંકીને અને કચરો સળગાવાયો હોવાનો વીડીયો વાયરલ થયો છે. પાલિકા-પંચાયતના સમયના કોન્ટ્રાકટ પરના આ કર્મચારીઓને ૬ મહિનાથી પગાર પણ મળ્યો નથી. બોપલ-ધુમામાં જાહેર રસ્તા પર ફેકાયેલા કચરાનો નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે અને તેમાં કોઈ અવરોધ ઉભા ન કરાય તે હેતુસર પોલીસની મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
બોપલ-ધુમાના સફાઈ કર્મચારીઓ અને તેમના પરીવારજનોને બોડકદેવ ખાતેની એએમસીની ઝોનલ કચેરી ખાતે ધરણાં કર્યા હતા અને કચેરીને બાનમાં લીધી હતી. આ પરિસ્થિતિ વધુ ન વણસે તે હેતુસર રાતના સમયે પોલીસની મદદ લઈને બોડકદેવ કચેરીમાં ધરણાં પર બેઠેલા સફાઈ કર્મીઓને ટીંગા ટોળી કરીને ઉઠાવીને ખસેડવાની નોબત આવી હતી.