બોપલ-ઘુમા સહિતના ક્ષેત્રો કોર્પોરેશનની હદમાં સામેલ
અમદાવાદ: અમદાવાદ શહેરના છેવાડે આવેલા બોપલ-ઘુમા, કઠવાડા, અમિયાપુર અને નાના ચિલોડા, ભાટ, ઝુંડાલ, કોટેશ્વર, સહિતના વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરી નવુ સીમાંકન કરવા સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂરી આપી અને રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે. જેને પગલે હવે અમદાવાદ શહેરનો વિસ્તાર વધશે અને તે વિસ્તરીને ૫૦૦ સ્કવેર કિ.મીનો થશે. હાલ એક વોર્ડમાં આશરે ૧.૧૬ લાખની વસ્તી છે, જેમાં દસથી પંદર ટકાનો વધારો થવાની શકયતા છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ આ વિસ્તારોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ થશે.
કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોનો સમાવેશ કરવા માટે દરખાસ્ત મોકલી આપી છે તે વિસ્તારના આધારે સીમાંકન કરવા માટે સૂચન કર્યું છે. વોર્ડમાં વધારો કે ઘટાડો રાજ્ય સરકાર દ્વારા જે રીતે દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તે રીતે કરવામાં આવશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, હાલમાં જે દરખાસ્ત મોકલવામાં આવી છે તે વિસ્તારના આધારે સીમાંકન કરવા સૂચન કર્યું છે. હાલમાં અમદાવાદ શહેર ૪૬૪ સ્કવેર કિ.મી. વિસ્તારમાં પથરાયેલું છે. જેમાં સીમાંકન થતા ૫૦ થી ૬૦ સ્કવેર કિ.મી.વિસ્તારનો વધારો થઈ શકે છે. જેથી સીમાંકન બાદ અમદાવાદ શહેરનો વિસ્તાર ૫૦૦ સ્કવેર કિ.મી. ઉપર થઈ જશે. જ્યારે અસલાલીનો કોર્પોરેશનમાં નહિં ભળે.
રિંગ રોડની આસપાસના કેટલાક વિસ્તારમાં આવેલી જમીનના માત્ર સર્વે નંબર જ ભળશે. હાલ અમદાવાદ શહેરના એક વોર્ડમાં ૧.૧૬ લાખ વસ્તી છે. જેમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થઈ શકે છે. ૨૦૨૧માં નવી વસ્તી ગણતરી બાદ જ નવું ફરી સીમાંકન કરવાનું રહેશે. નવુ સીમાંકન થતા પ્રજાના પાયાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવશે. નવી વોર્ડ ઓફિસ મળતા નાગરિકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ થઈ શકશે. નવા ભળતા વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી-ગટરની સુવિધાઓની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.