બોપલ નજીક આંબલીમાં જૂથ અથડામણઃ બે ગંભીર
મોડી રાત્રે એક જ ધાબા પર બે ગેંગોના સાગરીતો જમવા આવતા મામલો બીચક્યો : બે ઝડપાયા : આરોપીઓના સશસ્ત્ર હુમલાથી ભારે નાસભાગ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં હવે સ્થાનિક ગેંગોનો આંતક પણ વધી રહયો છે જેના પરિણામે અમદાવાદ શહેરમાં ખંડણી ઉઘરાવવા સહિતની અસામાજિક પ્રવૃતિ ફુલીફાલી છે વહેપારીઓ તથા સામાન્ય નાગરિકો આવી ગેંગોથી ડરી રહયા છે પોલીસ તંત્ર દ્વારા ગુનાખોરીને ડામવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે.
પરંતુ વધતી જતી ગુનાખોરીથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે જેના પરિણામે ચોરી, લુંટફાટ સહિતની ઘટનાઓ વધી ગઈ છે આ પરિસ્થિતિમાં સ્થાનિક ગેંગો દ્વારા નાગરિકોને ધમકાવવાના તથા હુમલો કરવાની ઘટનાઓ વચ્ચે શહેરના આંબલી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી
જેમાં એક ખાણીપીણીના ધાબા પર બે ગેંગોના સાગરિતો જમવા આવતા પરિસ્થિતિમાં વણસી હતી અને બંને ગેંગોના સાગરિતોએ સામ સામે હુમલા કરતા બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
આ ઘટનાના પગલે આ વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ગણતરીની મીનીટોમાં જ બે આરોપીઓને ઝડપી લીધા હતા જયારે અન્ય આરોપીઓને ઝડપી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઘટનાથી સ્થાનિક નાગરિકો ફફડી ઉઠયા છે અને કોઈપણ સમયે આ ગેંગો વચ્ચે લોહીયાળ જંગ ખેલાય તેવી દહેશત સેવાઈ રહી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં મોડીરાત સુધી ખાણીપીણીના બજારો ધમધમતા હોય છે શહેરના અનેક વિસ્તારોમાં મોડીરાત સુધી ભારે ચહલપહલ જાવા મળતી હોય છે જેના પરિણામે કેટલાક ગુંડાતત્વો આવા સ્થળો પર અડીંગો જમાવીને બેસતા હોય છે.
શહેરના આઈઆઈએમ રોડ પર પણ ખાણીપીણીના બજારોના કારણે ગુનાખોરી વકરી રહી છે આ રોડ પર મોડી રાત સુધી લોકો રસ્તા પર જ વાહનો પાર્ક કરીને બેઠેલા જાવા મળતા હોય છે આ ઉપરાંત શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ આવી જ રીતે ખાણીપીણીની લારીઓ ધમધમતી હોય છે.
શહેરના આંબલી વિસ્તારમાં પણ અનેક સ્થળો પર ખાણીપીણીની લારીઓ મોડી રાત સુધી ચાલુ હોય છે બીજીબાજુ આ જ વિસ્તારમાં કેટલાક શખ્સો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગેંગવોર જેવા દ્રશ્યો સર્જાય રહયા છે અને મારામારી પણ થઈ રહી છે જેના પરિણામે સ્થાનિક નાગરિકોમાં ભારે દહેશત જાવા મળતી હોય છે.
આ દરમિયાનમાં ગઈકાલે હરી બહાદુર બુઢા (રહે. આર.એ. રહેમાન સોસાયટી, શીલજ) જે મૂળ નેપાળી છે તે પોતાના સાગરીતો લાલવીર અને કમલા છેગો સાથે આંબલી ગામ જમવા ગયા હતા જયાં તેમની હરીફ ગેંગના પ્રકાશ મૈસુર તેનો ભાઈ લલીત, તીલક, બલરામ પ્રસાદ શર્માના લોકો પણ ઉભા હતા ત્યારે તથા પ્રકાશે અગાઉ કમલા છેગોને માર્યો હોવાની વાતને લઈને પ્રકાશ તથા હરી બહાદુર વચ્ચે બબાલ થઈ હતી
જેના પગલે આસપાસના રાહદારીઓ, લોકો પણ ચોંકી ઉઠયા હતા બંને ગેંગો વચ્ચે બબાલ થતાં લોકોમાં નાસભાગ મચી હતી.
દરમિયાન બંને ગેંગ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી એ દરમિયાન પ્રકાશે તેની પાસે છુપાવી રાખેલી એક છરી કાઢી હતી અને કોઈ કંઈ સમજે એ પહેલાં જ હરીના પેટમાં હુલાવી દીધી હતી ઉપરાંત આડેધડ છરીઓ વીંઝતા હરીને શરીરના અન્ય ભાગો ઉપર પણ ઘા વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો જેના પગલે પ્રકાશ (રહે. આંબલીગામ, આંબલી) અને તેના સાગરીતો રફુચકકર થઈ ગયા હતા.
આ ઘટનાને કારણે સમગ્ર આંબલી વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. લોહીના ખાબોચિયામાં પડેલા હરીને તેના સાગરીતોએ એમ્બ્યુલન્સમાં દવાખાને પહોંચાડયો હતો જયાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ હરીએ સરખેજ પોલીસમાં ફરીયાદ આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ સરખેજ પોલીસ સક્રીય બની હતી અને સમગ્ર રાત્રિ દરમિયાન ઓપરેશન ચલાવીને હુમલાખોર પ્રકાશ અને તેના અન્ય એક સાગરીતને ઝડપી લેવાયો છે.
પોલીસ આ સમગ્ર બનાવની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે બંને ગેંગો વચ્ચે અવારનવાર બબાલો થતી જ રહે છે તેમ વધુમાં સુત્રોએ ઉમેર્યુ છે. બીજી તરફ આવી ઘટનાઓ અવારનવાર બહાર આવતા શહેર સુરક્ષીત હોવાના પોલીસ તંત્રના દાવાઓ પર પાણી ફરી વળ્યુ છે ચોંકાવનારી બાબત એ છે કે ઘાયલ હરી ઉપરાંત બંને ગેંગના કેટલાંક સભ્ય મૂળ નેપાળના છે અને તે અમદાવાદ શહેરમાં લુખ્ખાગીરી કરી રહયા છે. પોલીસે આ ગેંગના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે પરંતુ આગામી દિવસોમાં બંને ગેંગો વચ્ચે લોહીયાળ જંગ ખેલાય તેવી દહેશત સેવાઈ રહી છે.