બોપલ પાસે હિટ એન્ડ રનઃ યુવકનું મોત
અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ફરારઃ લોકોમાં રોષ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક નિયમો કડક કરવામાં આવ્યા છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે શહેરના છેવાડાના વિસ્તારોમાં અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. શહેરને ફરતે આવેલી એસ.પી. રીંગરોડ પર ગઈકાલે સાંજે બોપલ નજીક મોહંમદપુરા ચાર રસ્તા પાસે એક્ટિવા પર પસાર થતો એક યુવક સ્લીપ થતાં તેને ટેન્કરની ટક્કર વાગતા સ્થળ પર જ તેનું મોત નીપજયું હતું આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ખાનગી ભારે વાહનો પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે આ ઉપરાંત શહેરમાં અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક નિયમનો કડક કરવામાં આવ્યા છે તેમ છતાં શહેરમાં અકસ્માતોની ઘટના અવિરતપણે ઘટી રહી છે.
શહેરમાં કેટલાક ગંભીર અકસ્માતના બનાવો પણ બન્યા છે શહેરને ફરતે બનાવવામાં આવેલા એસ.પી.રીંગ રોડ પર ર૪ કલાક ટ્રાફિક જાવા મળતો હોય છે. શહેરના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગરમાં રહેતો યુવક રાહુલ પંચાલ એક્ટિવા લઈને મોડી સાંજે રીંગરોડ પર બોપલ નજીક મહંમદપુરા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહયો હતો આ દરમિયાનમાં અચાનક જ પાછળ આવી રહેલા ટેન્કરની ટક્કર વાગતાં અને તેના તોતીંગ પૈંડા રાહુલ પર ફરી વળતા સ્થળ ઉપર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
અકસ્માતની આ ઘટનાથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને લોકોમાં ભારે રોષ પણ જાવા મળતો હતો. ટેન્કરનો ચાલક અકસ્માત સર્જી ભાગી છુટયો હતો એક્ટિવા સ્લીપ થઈ જતાં આ યુવક રસ્તા પર પટકાયો હોવાનું પણ ચર્ચાય રહયું છે. હાલમાં ટ્રાફિક પોલીસના એમ ડીવીઝનના અધિકારીઓ આ અંગે તપાસ કરી રહયા છે અને ભાગી છુટેલા ટેન્કર ચાલક વિરૂધ્ધ મૃતક રાહુલ પંચાલના પરિચિત હાર્દિક પંચાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.