બોપલ મામલે રેવન્યુ કમિટી ચેરમેનનો લુલો બચાવ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની હદમાં તાજેતરમાં ભેળવાયેલ બોપલ વિસ્તારના નાગરિકોને અગાઉ કરતા બે થી ત્રણ ગણો વેરો ચુકવવો પડશે નગરપાલીકા સમયે ઉચ્ચક વેરો લેવામાં આવતો હતો મ્યુનિ. હદમાં સમાવિષ્ટ થયા બાદ કારપેટ અને જંત્રી આધારિત વેરાની ગણતરી થશે જેના કારણે મિલ્કત વેરાની રકમ ર૦૦ થી ૩૦૦ ટકા વધી જશે.
રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મ્યુનિ. હદમાં આવેલી ર૧ લાખ મિલ્કતોની જેમ જ બોપલના નાગરિકો પાસેથી વેરો લેવાશે. આ વિસ્તારમાં મ્યુનિ. કોર્પો. દ્વારા પાણી, ડ્રેનેજ, હેલ્થ સહિતની સુવિધા આપવામાં આવશે તેથી વેરાની રકમમાં વધારો થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે મ્યુનિ. હદમાં બોપલનો સમાવેશ થયો તે પહેલાથી જ ત્યાં ઔડા દ્વારા પાણીની ચાર ટાંકીઓના કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા તેમજ ડ્રેનેજ સીસ્ટમ પણ નાંખવામાં આવી હતી નગરપાલિકા સમયથી જ બોપલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ હતું. મ્યુનિ. કોર્પો. એ માત્ર આ તમામ સુવિધાઓનું વ્યવસ્થિત સંચાલન કરવાનું રહેશે.
બોપલમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના દાવા થઈ રહયા છે પરંતુ તે પણ ઔડા સમયથી બની રહયું હતું તેથી પાણી, ડ્રેનેજ, હેલ્થની સુવિધાના કારણે જ બેથી ત્રણ ગણો વેરો લેવાનો જે બચાવ થઈ રહયો છે તે ખોટો છે તેમ સ્થાનિક રહીશો માની રહયા છે.
મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા બાકી ટેક્ષની વસુલાત માટે મોબાઈલ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. કરદાતાઓના મોબાઈલ નંબર પાસે બાકી રકમના મેસેજ મોકલવામાં આવશે. તદ્પરાંત કરદાતાઓને નવા નાણાકીય વર્ષથી વોટ્સએપ માધ્યમથી બીલ મોકલવા માટે પણ વિભાગ પ્રયત્નશીલ છે.
ઈ-ગર્વનન્સ વિભાગ દ્વારા માઈક્રોટેક કંપનીને પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આપ્યો છે. નવી કંપની પાસે “ઓટો સોફટવેર” ડેવલપ કરાવવામાં આવશે જેમાં કરદાતાઓને વેરા ભરપાઈ, નામ, સરનામા બદલવા માટે સરળતા રહેશે.