બોપલ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓ રીપેરીંગની રાહ જૂએ છે
અમદાવાદ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમજ પૂર્વના પટ્ટામાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ તથા બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ તંત્રની પોલ ખુલી ગઈ હતી. મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાઈ જતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના વસ્ત્રાલમાં વિસ્તારમાં આરપીએફ કેમ્પ પાસે આવેલા રીંગ રોડનો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો હતો.
આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલમાં પણ કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. સ્ટર્લિગ સીટી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીની પાઈપ લાઈન નાંખવાનું કામ ચાલતું હોવાથી વાહન ચાલકો માટે ખોદકામ કરાયેલા રસ્તાઓ જોખમી બન્યા છે. આ વિસ્તારમાં રેલવે લાઈનની નજીક તાજ હોટલથી ડીપીએસ જવાના રસ્તા પર સ્કાય વન એપાર્ટમેન્ટ નજીક ખાડા પડી જતાં ટુ વ્હીલર પર જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાય છે. આ ઉપરાંત પાઈપલાઈન નાંખવાનું કામ ચાલુ હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
આ ઉપરાંત બોપલની સ્ટર્લિગ સીટીમાંથી પસાર થતાં ડામરના રસ્તાઓ પણ તૂટી ગયા છે. સ્ટર્લિગ સીટી સોસાયટીના આંતરીક રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટના બનેલા હોવાથી વધારે નુકશાન થયું નથી. બોપલના પોશ વિસ્તાર ગણાંતાં સોબો સેન્ટર પાસે પણ રસ્તાઓ તૂટી ગયા છે.