બોમ્બે હાઈકોર્ટના નિર્ણયથી ખુશ થયા અભિનેતા નટુકાકા
મુંબઈ, ૬૫ વર્ષથી વધુની ઉંમરના કલાકારોને બોમ્બે હાઈકોર્ટે શૂટિંગ કરવાની મંજૂરી આપી છે. આ ર્નિણય પર ‘બાલિકા વધૂ’ સીરિયલના એક્ટ્રેસ સુરેખા સિક્રી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે એક્ટર ઘનશ્યામ નાયકે ખુશી વ્યક્ત કરી છે. કોરોના વાયરસ મહામારીના કારણે મહારાષ્ટ્ર સરકારે ૬૫ વર્ષથી ઉપરના એક્ટર્સના શૂટિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેને શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે ડિસમિસ કર્યો છે. સુરેખા સિક્રીએ કહ્યું, “આ ર્નિણય ખૂબ હકારાત્મક છે અને હું ખૂબ ખુશ છું. હું ફરીથી ટીવી સીરિયલો અને ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક છું.
ઘનશ્યામ નાયક એટલે કે ‘નટુકાકા’એ પણ આ ર્નિણય અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “હું આ ર્નિણયથી ખૂબ ખુશ છું. મને લાગે છે મારો નવો જન્મ થયો છે. હવે આપણે જોવાનું છે કે મહારાષ્ટ્ર સરકાર નવી ગાઈડલાઈન્સ શું લાવે છે. હા, પણ હું વાતે ખુશ છું કે હવે ફરીથી શૂટિંગ કરી શકીશ. ભલે તરત નહીં પણ એક-બે મહિનામાં તો શૂટિંગ પર જઈ જ શકીશ.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદી તરફથી કોઈ ફોન આવ્યો છે કે નહીં? આ પ્રશ્નના જવાબમાં ઘનશ્યામ નાયકે જણાવ્યું, “ના, હજી સુધી મને ફોન નથી આવ્યો પરંતુ હું આશાસ્પદ છું. તેઓ જ્યારે પણ બોલાવશે હું ખુશી-ખુશી શૂટિંગ માટે જઈશ. હું કામ કરવા માટે આતુર છું અને તકેદારીના તમામ પગલા ભરીશ.
હું મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માગુ છું. હું જીવું ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીમાં રહીને એક્ટિંગ કરવા માગુ છું. હું મેકઅપ સાથે જ મરું તેવી મારી આખરી ઈચ્છા છે. લોકડાઉન દરમિયાન પોતાની આર્થિક સ્થિતિ વિશે પણ ‘નટુકાકા’એ વાત કરી. એક્ટરે કહ્યું, “નસીબજોગે લોકડાઉન દરમિયાન મને આર્થિક સંકડાશ ના નડી કારણકે મેં કામ કર્યું હતું ત્યાં સુધીની મારી સેલરી આવતી રહી. મને મારા ચેક નિયમિત રૂપે અને સમયસર મળતા રહ્યા છે.