બોમ્બ હુમલામાં મંત્રી ઝાકિર હુસૈન ગંભીર રીતે ઘાયલ
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા હવે રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ છે.પશ્ચિમ બંગાળમાં મમતાના બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં રાજ્યમંત્રી ઝાકિર હુસૈન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંગાળના મંત્રી ઝાકિર હુસૈનને જંગીપુર અનુમંડલીય હોસ્પિટલથી આજે સવારે કોલકાતા સ્થિત સરકારી હોસ્પિટલ એસએસકેએમમાં શિફ્ટ કરાયા છે.
તેમને હોસ્પિટલના ટ્રોમા કેર ડિપાર્ટમેન્ટમાં દાખલ કરાયા છે. બીજી બાજુ જીઆરપીએ બંગાળના મંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બ હુમલા મામલે કેસ દાખલ કર્યો છે. જાણકારી મેળવવામાં આવશે કે બોમ્બ પહેલા લગાવવામાં આવ્યો હતો કે પછી તે સમયે ફેંકાયો.
એફએસએલના અધિકારી ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ બુધવારે રાતે મુર્શિદાબાદ જિલ્લાના નિમટિટા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર ૨ પર મંત્રીજી પોતાની ટ્રેનની રાહ જાેઈ રહ્યા હતા.ત્યારે રાત્રે ૧૦ વાગ્યે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.
જેમા જંગીપુરાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ઝાકિર હુસૈન અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રી ઉપરાંત ૨૦ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૫ લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામને મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. પાંચ ગંભીર રીતે ઘાયલ લોકોને કોલકાતા શિફ્ટ કરાયા છે.
હોસ્પિટલમાં એક અધિકારીએ જણાવ્યું કે મંત્રીને પગ અને પેટના નીચેના ભાગમાં ઈજાઓ થઈ છે. બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ મંત્રી મલય ઘટકે આ હુમલા માટે પાર્ટીના રાજનીતિક પ્રતિદ્વંદ્વીઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે તૃણમૂલથી નિષ્કાષિત કરાયેલ અને મુર્શિદાબાદ જિલ્લા પરિષદના સભાધિપતિ મુશર્રફ હુસૈને દાવો કર્યો છે કે આ હુમલો પાર્ટીના આંતરિક વિખવાદનું પરિણામ છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થવાની છે.
તે અગાઉ રાજનીતિક ગરમાવો ચરમસીમાએ છે. એક બાજુ ટીએમસી કાર્યકરો પર સતત સંઘ અને ભાજપ કાર્યકરો પર હુમલાના આરોપ લાગી રહ્યા છે ત્યારે બીજી બાજુ ટીએમસી નેતા અને સરકારમાં મંત્રી પર હુમલાની આ ઘટનાએ અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે.
હુમલા બાદ મમતા બેનર્જીના ઘર પર સુરક્ષા વધારવામાં આવી છે.મહત્વનું છે આજથી બે દિવસ માટે ગૃહમંત્રી અમિત શાહ પણ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ પુરજાેશમાં પ્રચાર વચ્ચે હવે રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો હતો.તો હવે મમતાના મંત્રી પર બોમ્બ હુમલાથી દહેશતનો માહોલ છવાયો છે.