બોયફ્રેન્ડ હોવાની જાણ થતાં માતા-ભાઈએ યુવતીને ઘરમાં પૂરી
અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં એક યુવતી ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. મહિલા સુરક્ષા માટે કાર્યરત અભયમની ટીમને સમગ્ર વાતની જાણકારી મળતાં તેમણે યુવતી અને તેના માતા-પિતા તેમજ ભાઈ સાથે વાતચીત કરી હતી, તેમનું કાઉન્સિલિંગ કર્યુ હતું અને સમાધાન કરાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, પરિવારના સભ્યોને જાણકારી મળી હતી કે તેમની ૧૯ વર્ષીય દીકરીનો કોઈની સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. આ વાત જાણ્યા પછી પરિવારે તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો. આટલુ જ નહીં, પરિવારના સભ્યો જાે ઘરની બહાર જતા તો યુવતીને ઘરમાં પૂરીને તાળું મારીને જતા હતા.
પરિવારના ત્રાસથી કંટાળીને યુવતીએ એક દિવસ તકનો લાભ લઈને ભાગી જવાની યોજના બનાવી હતી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી અભયમનની ટીમને એક યુવકે ફોન કરીને જણાવ્યુ હતું કે, એક યુવતી ઘરેથી ભાગીને આવી હોય તેવી સ્થિતિમાં જણાઈ રહી છે અને અત્યારે એક જ જગ્યાએ પાછલા એક કલાકથી વધારે સમયથી બેઠી છે. યુવતી ઘરે જવાની પણ ના પાડી રહી છે.
આ જાણકારી મળતાની સાથે જ અભયમની ટીમ તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચીને ટીમ દ્વારા યુવતીની પૂછપરછ કરવામાં આવી હતી. શરુઆતમાં તો યુવતીએ ચુપકીદી સાધી લીધી હતી. પરંતુ જ્યારે તેને વિશ્વાસમાં લેવામાં આવી અને પ્રશ્નો કરવામાં આવ્યા તો તેણે જણાવ્યું કે તે માતા અને ભાઈ સાથે રહે છે. યુવતીના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.
તે પોતાના પ્રેમી સાથે વાતો કરતી હતી અને બહાર ફરવા પણ જતી હતી. આ વાતની જાણ કોઈ રીતે તેના માતા અને ભાઈને થઈ ગઈ હતી. જેના કારણે તેમણે ઘરની બહાર નીકળવા પર કડક પ્રતિબંધ મૂકી દીધો હતો. ફરિયાદ અનુસાર તેઓ પોતાની દીકરીને માનસિક ત્રાસ પણ આપતા હતા. આ દરમિયાન એક વાર જ્યારે યુવતીના માતા રસોડામાં વ્યસ્ત હતા ત્યારે તેણે તકનો લાભ લીધો અને ઘરેથી ભાગી ગઈ હતી.
સમગ્ર બાબતની જાણ થયા પછી અભયમની ટીમે યુવતીને સાંત્વના આપી તેમજ તેના પરિવારના લોકોને પણ બોલાવ્યા. અભયમની ટીમે પરિવારના લોકોને સમજાવ્યું કે, બાળકની ઉંમર નાની હોય અને ભૂલ થઈ જાય તો તેને હેરાન કરવાના સ્થાને પ્રેમથી વાત સમજાવવી જાેઈએ.
યુવતીનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેને પણ સમજાવવામાં આવી કે માતા અને ભાઈ તેના ભવિષ્યની ચિંતાને કારણે આવો વ્યવહાર કરતા હતા. ૧૯ વર્ષીય યુવતીના માતા અને ભાઈએ માફી માંગી હતી અને બાંહેધરી આપી હતી કે ફરી ક્યારેય દીકરી સાથે આ પ્રકારનું વર્તન નહીં કરે, તેના પર ત્રાસ નહી ગુજારે. યુવતીને પણ માતા અને ભાઈ સાથે રાજીખુશી ઘરે મોકલી દેવામાં આવી હતી.SS1MS