બોરસદના ભાદરણ-કિંખલોડ રોડ પર ટ્રકની ટકકરે બાઈકચાલકનું કરુણ મોત

પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
સંખેડાનો યુવક ભાદરણ ગામે કાકાનાં ઘરે રહેવા આવ્યો હતો અને પિતરાઈ ભાઈનું બાઈક લઈને જતાં અકસ્માત સર્જાયો
આણંદ,
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામે તમાકુની ખરીમાં રહેતા મૂળ સંખેડાના પરિવારને ત્યાં ત્રણ-ચાર દિવસથી રહેવા આવેલો સંખેડાનો યુવક સંબંધી પિતરાઈ ભાઈનું બાઈક લઈને ભાદરણ ચોકડી તરફ જતો હતો ત્યારે ટ્રેક્ટરની ઓવરટેક કરવા જતા ટક્કર વાગતાં માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યાની ફરિયાદ ભાદરણ પોલીસમથકમાં નોંધાઈ છે.બોરસદ તાલુકાના ભાદરણ ગામે શૈલેષનગર વિસ્તારમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના કલ્પેશભાઈ મનુભાઈ તડવી પોતાના માતા-પિતા, પત્ની સહિતના પરીવાર સાથે રહે છે અને ભાદરણ ગામે આવેલ મનોજભાઈ પટેલની માં ભદ્રકાળી નામની તમાકુની ખરીમાં મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે.
કલ્પેશભાઈ તડવીએ પોતાના વપરાશ માટે ગ્લેમર બાઈક નંબર જીજે-ડીએક્સ-૭૯૦૬ લીધેલું છે. અને પોતાના કામકાજ અર્થે ઉપયોગ કરે છે. કલ્પેશભાઈ તડવીના માતાના કાકાના દીકરા પ્રવીણભાઈ જે સંખેડા ખાતે રહે છે. તેઓની સાથે સંબંધો સારા હોવાથી એકબીજાના ઘરે અવરજવર કરતા હોય છે. કલ્પેશભાઈ તડવીના પિતરાઈ મામા પ્રવીણભાઈનો દીકરો ધર્મેશભાઈ ત્રણ-ચાર દિવસથી ભાદરણ ગામે કલ્પેશભાઈ તડવીના ઘરે રહેવા આવ્યો હતો. અને જે દરમ્યાન બજારમાં કોઈ કામકાજ હોય તો કલ્પેશભાઈ તડવીનુ બાઈક લઈને અવરજવર કરતો હતો. મંગળવારે સવારના નવ વાગ્યાના આરસામાં કલ્પેશભાઈ તડવી પોતાના પત્ની જ્યોત્સનાબેન, માતા સહિતના પરિવારજનો સાથે ભાદરણ ચોકડીથી કિંખલોડ રોડ ઉપર આવેલ મેલડી માતાના મંદિર પાસે આવેલી માં ભદ્રકાળી તમાકુની ખરીમાં મજુરી કામે ગયા હતા. અને તેમના પિતરાઈ મામાનો દીકરો ધર્મેશભાઈ તેઓનું બાઈક લઈને નીકળ્યો હતો.
જે ટ્રેક્ટરની ઓવરટેક કરીને ભાદરણ ચોકડી તરફ જતો હતો ત્યારે સામેથી આવી ચઢેલી ટ્રક નંબર જીજે-૧૦-ટીએક્સ-૭૮૯૯ના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક ધર્મેશભાઈને શરીરે તેમજ માથામાં ગંભીર ઇજાઓ તથા સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. અકસ્માતનો અવાજ આવતા જ કલ્પેશભાઈ તેમના પત્ની સહિતના પરિવારજનો અકસ્માત વાળા સ્થળે દોડી ગયા હતા અને જોતાં પોતાના પિતરાઈ મામાનો દીકરો ધર્મેશભાઈ લોહીલુહાણ મરણ હાલતમાં પડ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ભાદરણ પોલીસ મથકના માણસો સ્થળ ઉપર દોડી ગયા હતા અને કલ્પેશભાઈ મનુભાઈ તડવીની ફરિયાદ લઈ ટ્રકના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. SS1