Western Times News

Gujarati News

બોરસદ ખાતે દાંડી યાત્રિકોના રાત્રિરોકાણ દરમિયાન યોજાયેલ ભજન સંધ્‍યા

ભજન સંધ્‍યામાં વૈષ્‍ણવ જન અને કસુંબીનો રંગ સહિત આઝાદીની લડત સાથે જોડાયેલા ભજનો અને ગીતોથી વાતાવરણ દેશભકિતના રંગે રંગાયું

આણંદ – આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે તા.૧૮મીના રોજ યાત્રાના સાતમા દિવસે વહેલી સવારે ખુશનુમાભર્યા વાતાવરણમાં ડી.એન.હાઇસ્‍કૂલ ખાતેથી પ્રસ્‍થાન થઇને બોરસદ શહેરમાં દાંડી યાત્રાએ પ્રવેશ કર્યો હતો.

દાંડીયાત્રાના પ્રવેશ સમયે ભાવસભર દ્રશ્ય સર્જાવા પામ્‍યું હતું. એક માતા પોતાની દિવ્‍યાંગ  દીકરાને વ્‍હીલચેરમાં લઇને દાંડી યાત્રિકોનું  સ્‍વાગત કરવા આવી હતી.  આ દિવ્‍યાંગ દીકરાની ઇચ્‍છા મુજબ સમગ્ર પરિવારે ફૂલો સાથે આવીને દાંડી યાત્રિકોનું સ્‍વાગત કર્યું હતું.

આ ઉપરાંત બોરસદ નગરપાલિકાના પ્રમુખશ્રી, કાઉન્‍સિલરો, ચીફ ઓફિસરશ્રી સહિત, અગ્રણી નાગરિકો, વ્‍યાપારીઓ અને શહેરીજનોએ યાત્રિકોનું ઉમળકાભેર ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. જયારે દાંડી યાત્રિકો તેમના અંતિમ પડાવ એવા રાત્રિ રોકાણના સ્‍થળ એવા સૂર્ય મંદિર ખાતે પહોંચ્‍યા હતા.

બોરસદ સૂર્ય મંદિર ખાતે દાંડી યાત્રિકોના રોકાણ સ્‍થળે ઢળતી સંધ્‍યાએ ભજન-સંધ્‍યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે રાજયના નર્મદા વિકાસ રાજય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી દેશની નવી પેઢીને ભારતના ભવ્‍ય ઐતિહાસિક વારસાની જાણકારી આપવી એ આપણી નૈતિક જવાબદારી હોવાનું સ્‍મરણ કરી ગાંધીજીના હસ્‍તે મળેલી અમૂલ્‍ય આઝાદી દ્વારા આત્‍મનિર્ભરતા-સ્‍વરોજગારી અને સ્‍વદેશીનો વ્‍યાપ વિસ્‍તારવા કહ્યું હતું.

મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે પૂ. મહાત્‍મા ગા;ધીના નેતૃત્‍વાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગની આ ચળવળ હોવાનું જણાવી ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકાના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલ કર વિરૂધ્‍ધ અહિંસક પ્રતિરોકત દ્વારા પ્રત્‍યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્‍ગું હોવાનું જણાવી પૂ. મહાત્‍મા ગાંધીજીએ તા. ૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ દાંડી ખાતે પહોંચીને મીઠાનો કાયદો તોડી નાંખ્‍યો હતો હોવાની આજની પેઢીને જાણકારી આપી હતી.

નર્મદા વિકાસ રાજય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલ અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્‍લ પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, અગ્રણીઓ, નાગરિકો અને દાંડી યાત્રિકોની ઉપસ્‍થિતિમાં ભજન સંધ્‍યા યોજાઇ હતી.

આ ભજન સંધ્‍યામાં ભજનિકોએ પૂ. મહાત્‍મા ગાંધીજીના પ્રિય ભજન એવા વૈષ્‍ણવજન સહિત કસુંબીનો રંગ અને આઝાદીની લડત સાથે જોડાયેલા ભજનો અનેગીતોની રમઝટ બોલાવીને સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાઇ જાવા પામ્‍યું હતું.           આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી દુષ્‍યંતભાઇ પટેલ અને નગરપાલિકાના કાઉન્‍સિલરોએ દાંડી યાત્રિકોનું સ્‍વાગત કર્યું હતું.

આ પ્રસંગે અધિક કલેકટર અને જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, જિલ્‍લા-તાલુકાના અગ્રણીઓ અને નગરજનોએ ઉપસ્‍થિત રહીને ભજન સંધ્‍યાનો આસ્‍વાદ માણ્‍યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.