બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવાશે : શિક્ષણ મંત્રી
વડોદરા: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વડોદરા ખાતે આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. પરંતુ રિપીટર પરીક્ષાર્થીઓ અંગે હજી ર્નિણય લેવાનો બાકી છે. આગામી ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવશે.
સરકાર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓની કોરોનાના ડરથી પરિક્ષા રદ કરવાનો ર્નિણય લીધો છે. અને તેઓને માસ પ્રમોશન આપવામાં આવનાર છે. પરંતુ, રિપીટર પરિક્ષાર્થીઓ માટે કોઇ ર્નિણય ન લેવાતા રિપીટર પરિક્ષાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા માંગ કરાઇ હતી કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાના ડરથી પરિક્ષા રદ કરવામાં આવી છે. તો રિપીટરોને કોરોના ન થઇ શકે. તેવો સવાલ કરી રિપીટર પરિક્ષાર્થીઓની પણ પરિક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી માંગ ઉઠી છે.
વડોદરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો દ્વારા રિપીટર વિદ્યાર્થીઓ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના રિપીટર પરિક્ષાર્થીઓ અંગે સરકાર દ્વારા ટૂંક સમયમાં ર્નિણય લેવાશે. શિક્ષણમંત્રીના નિવેદન ઉપરથી લાગી રહ્યું છે કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના રિપીટર પરિક્ષાર્થીઓને પણ સરકાર માસ પ્રમોશન જાહેર કરી શકે છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વડોદરા ખાતે આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વડોદરા મહાનગર સેવા સદન અને ગુજરાત રાજ્ય વન વિભાગના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તે બાદ તેઓએ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
શિક્ષણમંત્રી દ્વારા આજે વાઘોડીયા ખાતે આવેલી સુમન દીપ વિદ્યાપીઠ ખાતેથી ઓક્સિજન લિક્વીડ ટેન્કનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે, સુમન વિદ્યાપીઠની ધીરજ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર આપવામાં થયેલા ગોટાળાને કારણે ચર્ચામાં છે. અને તેની તપાસ પણ ચાલી રહી છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સુમન દિપ વિદ્યાપીઠ ખાતે જઇ ઓક્સિજન ટેન્કને ફ્લેગ ઓફ આપતા ચર્ચાનો વિષય બન્યો હતો.