Western Times News

Gujarati News

બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો આંતરિક ભય દૂર કરવા કાર્યક્રમનું આયોજન

મોડાસા ખાતે સફળતાનું સરનામું કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) આવી રહેલ ૨૮ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. ત્યારે આ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો આંતરિક ભય દૂર થાય તે માટે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પરિક્ષાર્થીઓમાં ઉભા થતાં ભયથી મુક્ત રહેવા મનો શારિરીક શૈક્ષણિક અને આધ્યાત્મિક આત્મિક સશક્તિકરણ અને કલમ પૂજન કાર્યક્રમ આજરોજ ૨૨ માર્ચ, મંગળવારે કરવામાં આવ્યો. પરીક્ષાની દરેક ક્ષણનો સદુપયોગ વિદ્યાત્મક તેમજ સકારાત્મક નિયોજનમાં લાગી જાય તો સફળતાના ક્ષેત્રે ચમત્કાર દેખાવા લાગે છે.

આવા ઉદ્દેશ્ય સાથે બોર્ડની પરિક્ષા આપનાર સૌ વિદ્યાર્થીઓને નિમંત્રિત કરવામાં આવ્યા. જેમાં બોર્ડના ૧૦૦ થી વધુ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મોડાસા ક્ષેત્રમાં સૌથી વધુ ગાયત્રી મંત્ર લેખન કરનાર એવા સાધક ગીતાબેન પટેલ દ્વારા દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.

ગાયત્રી પરિવાર યુવા સંગઠન , ગુજરાતના સંયોજક કિરિટભાઈ સોની આ પ્રસંગે ઉપસ્થિત રહી આ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જાગે તે માટે ખૂબ જ માર્મિક ભાષામાં પરીક્ષાનો ખોટો ભય દૂર કરવાના ઉપાયો, ગાયત્રી મંત્રની વિશેષ શક્તિ, વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ, સ્ટુડન્ટ લાઈફ ગોલ્ડન લાઈફ, વિદ્યાર્થી જીવનમાં યોગ પ્રાણાયામ, જીવનનું નિર્ધારિત લક્ષ વિગેરે વિષયો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

તેમજ દોરી અને ખીલીના માધ્યમથી આંતરિક પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો આપણી ઈચ્છા મુજબ શરીર ચોક્કસ સાથ આપે છે. આ બાબતો દરેક વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પ્રયોગ કરાવી આત્મબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગ કરવાની પોતાની પેનો લઈને બોલાવેલ જે પેનોનું અરવિંદભાઈ કંસારા દ્વારા આધ્યાત્મિક રીતે મંત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓના હસ્તે પૂજન કરાવવામાં આવ્યું.

ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સમગ્ર કાર્યક્રમના આયોજનનું સંચાલન અમિતાબેન પ્રજાપતિએ કર્યું હતું. આ આયોજનમાં વિશેષ સોમાભાઈ બારોટ, કાન્તિભાઈ ચૌહાણ, દેવાશિષ કંસારા,મનહરભાઈ પટેલ, દક્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.,

ઉપસ્થિત રહેનાર સૌ વિદ્યાર્થીઓ તેમજ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.