Western Times News

Gujarati News

બોર્ડની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા ખાસ એપ્લિકેશન તૈયાર

પ્રતિકાત્મક

અમદાવાદ: ૫ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે વિશેષ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ‘પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન’ નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. ‘પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન’ તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે.

આ એપ વિશે ડીઈઓ કચેરીના સિનિયર સુપરીટેન્ડન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, આ એપના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર રવાના થતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ બોક્સ ખોલતા પહેલા તેના ફોટો પાડીને આ એપમાં અપલોડ પણ કરવાના રહેશે. તો સાથે જ તમામ વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં સ્થળ સંચાલકોએ અપલોડ કરવાની રહેશે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બે ફોટોગ્રાફ ‘પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન’માં અપલોડ કરવાના ફરજીયાત રહેશે.

આમ, બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે શિક્ષણ વિભાગની તૈયારી શરૂ થઈ છે. ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ ટેકનોલોજીના સહારે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિના બનાવો સામે આવ્યા બાદ મોટો હોબાળો થયો હતો, જેથી હવે શિક્ષણ વિભાગ પણ સતર્ક થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.