બોલબેટ રમતની ગમ્મત માટે “ભારત રત્ન” અપાય નહિ
સચિન તેંડુલકરની ખેલસિદ્ધિ માટે દેશને ગૌરવ જરૂર છે પણ “ભારત રત્ન”નું અવમૂલ્યન કેમ કરાય?
કમાણી માટે મેદાનમા ખેલ, પડદા પર અદાકારી કરનારાનું ગૌરવ કરવાના ધોરણો જુદાજ હોય
હિન્દુસ્તાનના લોકો વધુ પડતા લાગણીશીલ છે અને તે કારણે લોકોની લાગણીઓનો દુર ઉપયોગ કરનારાઓની સંખ્યા પણ ઘણી મોટી છે. એક યા બીજી રીતે પૈસા બનાવી લેવાની રમત મોટા પ્રમાણમાં અને વિવિધ ક્ષેત્રોમાં રમાય છે જેના કારણે આખરે તો લોકોની છેતરપીંડી થાય છે.અગર બીન જરૂરી લૂંટાઈ પણ જાય છે. આપણા લોકોની હિરો પુજાની એવી ટેવ છે કે હીરો બનવાની સ્પર્ધામાં હરેક પ્રકારના ઠગ લોકો પણ ફાવી જાય છે.
રમતનું ક્ષેત્ર હોય, સીનેમા નાટકનું ક્ષેત્ર હોય,રાજકારણ હોય કે ઉધોગ હોય. હીરો તેની સ્વાર્થ સાધનાની પ્રવૃત્તિમાં સફળ થયો હોય પરંતુ જાહેર સેવા માટેનું કોઈ પ્રદાન નહી હોય તો પણ આધુનિક મીડીયાના સાધનો અને નાણાંનો હોંશિયારી પૂર્વક ઉપયોગ કરીને કેટલાયે ઠગ લોકો પોતાનું નામ દેશભરમાં ગાજતુ કરે છે.અને તે થયા પછી તેમનું લોકો પ્રત્યેનું વલણ બેદરકારી અને કેટલીક વખત ભારોભાર છેંતરપીંડીનું બને છે. રમત ગમત ક્ષેત્રમાં મેચ ફીકસીંગ જેવી ધોખા ધડીની રમત થઈ કરોેડો રૂપિયાની હેરાફેરી થઈ તપાસ થઈ અને આખરે પરીણામ ખાસ ઉપકારક બન્યુ નથી.
રાજકીય ક્ષેત્રે સામાન્ય હસ્તીઓને એક યા બીજા કારણોસર ખભે ચઢાવીને લોકો મહાન બનાવે છે. પછી લોકો પ્રત્યેનું તેમનું દાયીત્વ લગભગ રહેતુજ નથી. રાજકીય નેતાઓ ભ્રષ્ટાચારમાં ડુબે છે. સીનેમાના અભિનેતાઓ હરેક પ્રકારની અનૈતિક પ્રવૃતિ કરે છે. રમતના ખેલાડીઓ સટ્ટો ખેલે છે. અને ક્રિકેટ જેવી રમતને સટ્ટાખોરીને મોટું સાધન ખેલાડીઓ અને સટોડીયાઓના સહકારથી સંપૂૃર્ણ રીતે પ્રદૂષિત થયુ છે.છેલ્લા બે મહિનામાં વિશ્વકપ માટે ક્રિકેટની મેચો થઈ.
આ મેચો રમાય તે પહેલાં તો એટલી વ્યવસ્થીત રીતે પ્રચાર તંત્ર ગોઠવાયુ કે, હિન્દુસ્તાનમાં દોઢ મહિના સુધી જાણે ક્રિકેટ સિવાય બીજુ કશુંજ હતુ નહી. આપણે ત્યાં ક્રિકેટનો ક્રેઝ તો છે. પણ આ વખતે વિશ્વકપમાં જે કંઈ બન્યુ તે કેટલીક બાબતમાં ચોંકાવનારૂ ગણાય તેવુ છે.
હિન્દુસ્તાન આ વખતે વિશ્વકપ જીતશેજ અને તે માટેની સંપૂર્ણ તૈયારી છે અને સંજોગો પણ છે તેવું લોકોના મનમાં ઠસાવવા માટે ખુબ આધુનિક મનોવૈજ્ઞાનિક રમત કરોડો રૂપિયાના ખર્ચે ટીવી અને અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવી. દક્ષિણ આફ્રિકામાં રમાયેલી વિશ્વકપની હરીફાઈમાં એક યા બીજી રીતે રૂપિયા સાતસો કરોડનો ધુમાડો થયો હોવાનું જણાય છે.
પણ તેથીયે વિશેષ સટ્ટાબજારમાં પંદર હજાર કરોડની હેરાફેરી થઈ હોવાની ગણતરી છે. આ સમય દરમ્યાન ગાંડપણે માઝા મુૈકી. ભારત સેમી ફાઈનલમાં જીતે અને ફાઈનલ રમે ત્યારે ખુદ દેશના વડા પ્રધાન અટલ બિહારી વાજપાઈ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ સ્ટેડીયમમાં જઈને બેસવાના હતા અને તે રીતે રમતવીરોને પાનોે ચઢાવવાના હતા.
સારૂ થયુ વાજપાઈને કોઈ ડાહયા માણસોએ સાચી સલાહ આપી અને વાજપાઈ ફાઈનલમાં હાજરી આપવા ગયા નહી. પણ વડા પ્રધાન પણ જવાના છે અને અન્ય નેતાઆ,ે ઉપનેતાઓ ,અભીનેતાઓ,અભિનેત્રીઓ ખાસ વિમાનો ભાડે કરીને મેચ જોવા પહોંચી ગયા હતા અને તે અંગેની પ્રસિધ્ધિ પણ એટલા મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી કે, ક્રિકેટ પ્રેમી અગર ક્રિકેટ ઘેલા કરોડો લોકો ખાસ કરીને યુવાનોને તો ખેલાડીઓ દેવતાઓની આસ્થા ઉભી થઈ ગઈ હોય તેવુ વાતાવરણ ટીવી અને અન્ય મીડીયાઓએ ક્રિકેટનો વેપાર કરનારા ઉધોગપતિઓએ ઉભુ કર્યુ હતુ.
ક્રિકેટરો જાણે ક્રિકેટ પ્રેમીઓના દેવતાજ હોય તેવી લાગણીઓ ઉછળી હતી.આજ રમતવીરો ક્રિકેટના મેદાન કરતા જાહેરાતમાં વધારે દેખાય છે.અને તેમાં કરોડોનો કમાણી કરે છે.ચેક ઓછો પડે તો કેપ્ટન સૌરવ ક્રિકેટ બોર્ડને ચેક પાછો પણ આપે .કારણ કે, ક્રિકેટ એ હવે ધંધો થઈ ગયો છે.અને તે દ્રારા લોકોના ખિસ્સા હળવા કરવાનું અર્થતંત્ર ક્રિકેટરો ,માફીયાઓ અને ઉધોગપતિઓએ ઉભુ કર્યુ છે.આ ઘેલછાની કોઈ મર્યાદા નથી.આ વખતની વિશ્વકપની ઘટના સંદર્ભે ઘણા બનાવો બન્યા છે જેના વિશે નાગરીકોએ ગંભીર રીતે વિચારવુ પડે તેમ છે.
મેચ રમાતી હતી અને સેમી ફાઈનલ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો દેશમાં એટલો વ્યાપક ઘેલછાનો માહોલ ઉભો થયો હતો કે,કેટલીયે ઉપયોગી પ્રવૃતિ અટકી પડી.તે ખોટ તો પુરાય તેમ છેજ નહી.પરંતુ ફાઈનલની રમત થાય તે પહેલા કેટલાક પબ્લીસીટી લાલચુ વ્યકિતઓએ એવા વિચારો અને સૂચનો વહેતા મુકયા હતા કે,ભારત જો ફાઈનલમાં જીત્યુ હોત અને વિશ્વકપ મેળવ્યો હોત તો હિન્દુસ્તાનમાં શું થયુ હોત.અને શું નહી થયુ હોત તેજ કલ્પનાનો વિષય બની ગયો હોત.ભારતીય ટીમ ફાઈનલમાં પણ જીતી હોત તો દરેક હિન્દુસ્તાનીને આનંદ જરૂર થયો હોત.
પણ તેમાં પ્રમાણભાન રહે તે એક દેશ તરીકે જરૂરી છે.ક્રિકેટનો ક્રેઝ વડા પ્રધાન સુધી પહોંચી ગયો હોય તો હરપળે નાની નાની બાબતે સ્ટંટ બાજી કરીને પ્રસિધ્ધિ શોધતા અન્ય રાજકારણીઓ તો હવામાંજ ઉડતા હોત.ફાઈનલ તો હજી રમાવાની હતી પણ તે પહેલાં ક્રોંગ્રેસના સાંસદ પ્રિયરંજનદાસ મુન્શી અને લાલુ પ્રસાદ જેવાજ ઉદંડ લાલુ પ્રસાદના ખાસ મેગા ફોન એવા રધુવંશ પ્રસાદ સીંગે તો જાહેર રીતે એવું સૂચન કર્યુ કે, સચિન તેડુલકરને ભારત રત્નનો ઈલ્કાબ આપવો જોઈએ અને તે માટે જરૂર પડે પાર્લામેન્ટમાં ઠરાવ પણ લાવવો જોઈએ.
અગાઉ જણાવ્યુ તેમ ભારતીય ટીમ જીતી હોત તો આ લેખક સહિત તમામ હિંદીઓને આનંદ જરૂર થાત. પણ આ હરિફાઈ સંબંધે જે વાતાવરણ સર્જાયુ તેમાં ભારત જીત્યુ હોત તો ભારે નુકશાન પણ થયુ હોત.આ નુકશાન એટલે આપણા પરંપરાગત અને સામાજીક રાજકીય અને બંધારણીય મૂલ્યોને નુકશાન થવાનો મોટો ભય હતો.હજી તો ફાઈનલ રમાવાની વાર હતી અને હર્ષ ઘેલા સાંસદો સહિતના કેટલાયે અદાકારોએ સૂચનોનો ધોધ વહેવડાવવા માંડયો હતો.
સાંસદોએ સચિન તેડુલકરને ભારતરત્નના પદથી સન્માન કરવુ જોઈએ. એવુ સૂચન કરીને ભારત રત્નનું તો અવમૂલ્યન કરી નાંખ્યુ હતુ.કેટલાકે સૂચન કર્યુ કે ભારત જીતે તે દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવી જોઈએ. જુદી જુદી રાજય સરકારોેએ તો ઈનામોની જાહેરાત કરવાજ માંડી હતી.ભારત જીત્યુ હોત તો રાજય સરકારોએ પણ કેટલી મર્યાદાઓનો ભંગ કરીને જાહેરાતો કરી હોત તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
ભારત ટીમ જીતે તેનો આનંદ જરૂર થાય પણ ક્રિકેટમાં ભારત જીતે અને કારગીલમાં જીતે, અવકાશના વિજ્ઞાનમાં મોટી ઉપલબ્ધી મેળવે, મહાન રાષ્ટ્રીય સેવાની પ્રવૃતિ ચલાવે, તેવી બાબતો વચ્ચે ઘણું મોટુ અંતર છે. સત્યજીત રે નું જે કારણસર સન્માન થાય તેવા કોઈ કારણસર અમિતાભ બચ્ચનનું સન્માન થઈ શકે નહી. અમિતાભ બચ્ચન કે સચિન તેડુલકર પૈસા માટેનો વ્યવસાય કરે છે. એક રમત દ્વારા બીજો અદાકારી દ્વારા કરોડોની કમાણી કરે છે.
સચિન તેંડુલકર રૂપિયા બસો કરોડથી વધુનો માલિક થયો હોવાનું કહેવાય છે. સરસ. સચિનને ધન્યવાદ. સારૂં કમાયો. પણ તેમાં રાષ્ટ્રની એવી મોટી સેવા નથી થઈ કે જેને કારણે તેને ભારત રત્ન આપવાનું સૂચન પણ થઈ શકે. આપણે ત્યાં જે પદો ઉભા કરવામાં આવ્યા છે તેમાં ભારત રત્નનું પદ ૧૯પ૪થી અસ્તિત્વમાં આવ્યુ અને તે માટેની પસંદગીનું ધોરણ દરેક બાબતમાં જળવાયુ છે એવુ કહી શકાતુ નથી. રાજકીય પક્ષોએ રાજકીય કારણોસર પણ પદકો એનાયત કર્યા છે.
પદ્મશ્રી તો લગભગ વેચાવ સન્માન થયુ હોય તેવી છાપ છે. ક્રિકેટ જગતમાં વર્ષો પહેલાં જશુ પટેલને અને વેંકટરામનને પદમશ્રીથી નવાજમાં આવ્યા હતા. ત્યાં સુધી તો ઠીક છે પણ ધંધાદારી કમાણીની અપેક્ષાએ કોઈક ક્ષેત્રોમાં કોઈક વ્યકિત નિપૂણ થઈ જાય પણ તે સાથે જાહેર સેવાની નિસ્વાર્થ પ્રવૃતિ નહી હોય અગર હોય તો પણ તેવી મહત્તમ કક્ષાની નહી હોય અને વ્યકિતની પ્રતિભા નહી હોય ત્યારે તેમને ઉચ્ચ પદકો અપાવા જોઈએ એવી માંગણી લાગણીઓના ઉભરા સાથે કરવામાં આવે તે બરાબર તો નથીજ. અને સૂચન કરનારાઓએ ભારત રત્ન જેવા પદની મહત્તા સમજવી જરૂરી છે.
આમ કહેવામાં સચિન તેડુલકરની ક્રિકેટના ક્ષેત્રની આવડત અને સિધ્ધિ ઓછી આંકવાનો કોઈ ખ્યાલ નથી.આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને ખરેખર નામના કરી છે. બહુ ટુંકા ગાળામાં એકવીસ હજારથી વધુ રનનો ઢગલો કર્યો છે. વન-ડે મેચમાં ૩પ સદી કરીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. આ વખતના વિશ્વ કપની મેચોમાં પણ ૬૭૩ રન બનાવીને મેન ઓફ ધી સિરીઝની ઓળખ પણ મેળવી છે.
વર્તન, વલણ, અને સામાન્ય વ્યવહારમાં સચિનની ખાનદાની અને સંસ્કારિતાનો સ્વીકાર સૈા કરે છે. સફળતા સાથે તેનામાં કોઈ પ્રકારની આછકલાઈ પણ જોવામાં આવી નથી.પરંતુ આ બધા સાથે પણ દેશની વ્યવસ્થાની સન્માન યોજનામાં ભારત રત્ન જેવું સન્માન કરવામાં ઘણી મોટી મર્યાદા સમજીનેચાલવુ જોઈએ.
સામાન્ય રીતે જુદા જુદા ક્ષેત્રોમાં નિપૂણતાને જુદા જુદા ક્ષેત્રોમાં સન્માનીત કરવામાં આવે છે. રમત ગમતના ક્ષેત્રે ઉચ્ચતમ એવોર્ડની પણ વ્યવસ્થા છેજ.એક પરિપકવ રાષ્ટ્ર તરીકે કેટલીક ઉચ્ચ પરંપરાઓ હોય તે જાળવવી જોઈએ.અને નવા મુલ્યો પ્રસ્થાપિત કરવા જોઈએ પરંતુ તેમાં ક્ષણિક લાગણીઓને સ્થાન હોઈ શકે નહી. એક પ્રજા તરીકે આપણે હીરો પૂજા તરફ વધુ ઢળીએ છીએ.તે અપવાદરૂપ બાબતોમાં ઉપયોગી હોય તો પણ અન્ય તમામ બાબતોમાં લોેક માનસ અને કેળવણી માટે નુકશાનકારક પૂરવાર થાય છે.
લોકશાહી માનસિકતા માટે વ્યકિત પૂજાની મર્યાદા દરેક નાગરિકના મનમાં સ્પષ્ટ હોવી જોઈએ. તે દ્રષ્ટિએ જોતાં વિશ્વકપમાં ફાઈનલમાં ભારત હાર્યુ તે આપણને ગમ્યુ નથી પરંતુ પરાજયે દેશને કેટલીક મૂલ્યોની નુકશાનીમાંથી બચાવી લીધો છે. વિશ્વ કપતો ચાર વર્ષ પછી ફરીથી પણ રમાશે. પણ ઉચ્ચતમ મૂલ્યોનું અવમૂલ્યન જો થાય તોે તે નુકશાન વાળી શકાતુ નથી. ક્રિકેટની વાત કરતા ગાંધીજી સાઉથ આફ્રિકામાં ઘણા વર્ષો રહયા ત્યારે તેમણે ત્યાં ગોરાઓની ક્રિકેટની સામે ફુટબોલની રમતને ઉત્તેજન આપવાનો ભારે પુરુષાર્થ કર્યો હતો.
અત્યારે પણ દસ દેશો ક્રિકેટ રમે છે વર્લ્ડકપમાં ૧૧૦ ખેલાડીઓ ભાગ લે છે. કરોડો કમાય છે. પરંતુ તેથી દેશનું ખાસ ભલુ થઈ જાય છે.એવો દાવો કોઈ કરી શકે તેમ નથી. ઘણા કારણોસર આપણા દેશમાં ક્રિકેટનો ક્રેઝ હતો અને વધ્યો છે. અન્ય રમતો માટેનો ઉત્સાહ હજી હોવો જોઈએ તે દેખાતો નથી.તેનું એક અગત્યનું કારણ આપણા દેશનું વિકૃત મીડીયા છે. હજી મોટા અખબારો અને ખાસ કરીને અંગ્રેજી મીડીયા અને હવે ઝડપી કમાણી માટે કામ કરતા ટીવી ચેનલો તો એ સસ્તી અને ભારે કમાણી માટે નાનામાં નાની બાબત અને નીચામાં નીચી પ્રવૃત્તિને એકધારી પ્રસિધ્ધિ આપવામાં પોતાની સિધ્ધિ ગણે છે. વિશ્વકપની ઘટનામાં સોની અને મેકસને રૂપિયા ૩૦૦ કરોડની કમાણી થઈ હોવાનું કહેવાય છે. મોટા અખબારોને પણ જબરજસ્ત કમાણી કરવાનો મોકો મળ્યો છે. રમત નિર્દોષ રમત રહી નથી.તે કારણે ક્રિકેટ રમતને વધુ પડતી મહત્તા આપવામાં રાષ્ટ્રીય જોખમ છે. -રામુ પટેલ -તા. ર૬/૪/૦૩ (મારી નોંધપોથી)