Western Times News

Gujarati News

બોલિવિયામાં ૫ દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી ૪૦૦ મૃતદેહો મળ્યા

ન્યૂયોર્ક, વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૧ કરોડ ૫૧ લાખ ૭ હજાર કેસ નોંધાયા છે. ૬ લાખ ૧૯ હજાર ૮૧૨ લોકોના મોત થયા છે. ૯૧.૨૮ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બોલિવિયામાં પોલીસને પાંચ દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી ૪૦૦ મૃતદેહો મળ્યા છે. નેશનલ પોલીસ ડાયરેક્ટર ઈવાલ રોજેસ મુજબ તેમાથી ૮૫ ટકા (લગભગ ૩૪૦)ના મોત સંક્રમણથી થયાની આશંકા છે. અહીના ચોચાબાંબા વિસ્તારમાંથી ૧૯૧, લા પાઝમાંથી ૧૪ અને સેન્ટાક્રૂઝમાંથી ૬૮ મૃતદેહો મળ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની વેક્સીન પહેલા લાવવા માટે અમારી સરકાર ચીન સહિત ઘણા દેશો સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સારું કામ કરી રહ્યું છે. અપેક્ષા કરતા તે રસી વહેલી આવવાની સંભાવના છે. તે લોકો સુધી તરત જ પહોંચાડવામાં આવશે, કારણ કે અમેરિકાની સેના તેને વહેચવામાં મદદ કરશે.
ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાએ મંગળવારે દેશભરમાં કફ્ર્યુ લગાવી દીધો છે. સુરક્ષાદળો સવારના ૬થી સાંજના ૬ દરમિયાન રાઉન્ડ લગાવશે. લોકોને ઘર બહાર નિકળતા રોકશે. જરૂરી કામ માટે બહાર નિકળવાની છૂટ અપાશે.

સ્પેન વિકાસશીલ દેશોને કોરોના મહામારીનો સામનો કરવા માટે ૧.૭ બિલિયન યૂરો (લગભગ ૧૪૬૧ હજાર કરોડ રૂપિયા)નું ફંડ દેશે. સ્પેનના વિદેશ મંત્રી અરાંચા ગોંજાલેજે મંગળવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્પેનને આશા છે કે આનાથી લોકોના જીવ બચશે અને હેલ્થ સિસ્ટમમાં સુધારો આવશે. સ્પેનમાં અત્યાર સુધીમાં ૨૮ હજાર ૪૧૪ લોકોના સંક્રમણથી મોત થયા છે.

અમેરિકાએ ચીનના બે હેકર્સ ઉપર અમેરિકામાં કોરોના વેક્સીન બનાવી રહેલી કંપનીઓના કોમ્પ્યુટરને હેક કરવાનો કેસ કર્યો છે. કાયદા મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનના આ બન્ને લોકો વિશ્વમાં અલગ અલગ ભાગમાં કોરોનાની વેક્સીન બનાવનાર કંપનીઓના કોમ્પ્યુટર હેક કરવાની કોશિશ કરે છે. અમેરિકામાં ૪૦ લાખ ૨૮ હજાર ૭૩૩ કેસ નોંધાયા છે. તેમા ૧ લાખ ૪૪ હજાર ૯૫૮ લોકોના મોત થયા છે. ૧૮.૮૭ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ચીનમાં જિનજિયાંગ રાજ્યમાં મંગળવારે ૧૪ નવા કેસ નોંધાયા છે.એક દિવસ પહેલા અહીં ૧૧ નવા કેસ નોંધાયા હતા. મેક્સિકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૫ લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક ૪૦ હજાર ૪૦૦ થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૫૯ નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩ લાખ ૫૬ હજાર ૨૫૫ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.