બોલિવૂડના જાણીતા એક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું ૫૫ વર્ષની ઉંમરે નિધન
બોલિવૂડના જાણીતા એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું ૫૫ વર્ષની વયે હાર્ટ અટેક આવતા નિધન થયું છે. બોલિવૂડની જાણીતી ફિલ્મ જેવી કે ‘અંધાધૂન’ અને ‘બદલાપુર’માં પરવેઝ ખાને એક્શન ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. પરવેઝ ખાન વર્ષ ૧૯૮૬થી બોલિવૂડમાં કાર્યરત હતા. તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સવારે તેઓને હાર્ટ અટેક આવતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતાની વર્ષ ૨૦૧૩માં આવેલી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘શાહીદ’માં એક્શન ડિરેક્ટર પરવેઝ ખાને કામ કર્યું હતું. પરવેઝ ખાનના નિધનના સમાચાર મળતા ફિલ્મમેકર હંસલ મહેતાએ ટિ્વટ કરતા લખ્યું કે મને જાણવા મળ્યું છે કે એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાન હવે નથી રહ્યા.
અમે ફિલ્મ ‘શાહીદ’માં સાથે કામ કર્યું હતું કે જેમાં તેમણે રમખાણના સીન સિંગલ ટેકમાં કર્યા હતા. તેઓ ટેલેન્ટેડ, ઉર્જાથી ભરેલા અને ખૂબ સારા વ્યક્તિ હતા. તમારી આત્માને શાંતિ મળે પરવેઝ. તમારો અવાજ હજુ પણ મારા કાનમાં ગૂંજી રહ્યો છે. એક્શન ડિરેક્ટર અકબર બક્ષીના સહાયક તરીકે પરવેઝ ખાને કરિયરની શરૂઆત કરી હતી. તેમણે અક્ષય કુમારની ફિલ્મ ‘ખિલાડી’, શાહરૂખ ખાનની ‘બાઝીગર’ અને બોબી દેઓલની ફિલ્મ ‘સોલ્જર’માં કામ કર્યું હતું. જ્યારે વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ ‘અબ તક છપ્પન’થી પરવેઝ ખાને સ્વતંત્રરીતે એક્શન ડિરેક્ટર તરીકેનું કામ શરૂ કર્યું હતું.