બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવે દીકરાને જન્મ આપ્યો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલ પેરેન્ટ્સ બની ચૂક્યા છે. અમૃતા રાવે પહેલી નવેમ્બરના રોજ એટલે કે રવિવારે સવારે દીકરાને જન્મ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર સમય ડિલિવરીમાં ઓપરેશન થિએટરમાં અમૃતા રાવનો પતિ અનમોલ હાજર રહ્યો હતો. અમૃતા અને બાળક બન્ને સ્વસ્થ છે.
થોડા દિવસ પહેલા જ જાણ થઈ હતી કે અમૃતા રાવ પ્રેગ્નન્ટ છે. ત્યારે જ તે ખારની એક ક્લિનિક બહાર ક્લિક થઈ હતી. જે પછી નવરાત્રિ દરમિયાન અમૃતાએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. જેમાં તે બેબી બમ્પ બતાવતી જોવા મળી હતી. તેણે લખ્યું હતું કે, નવરાત્રિની તકે નવમા મહિનામાં પોતાને ખૂબ જ નસીબદાર અનુભવી રહી છે.
નોંધનીય છે કે અમૃતા રાવ અને અનમોલે સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. જે પછી બન્નેએ ૨૦૧૬માં લગ્ન કર્યા હતાં. તેમના લગ્નમાં પરિવાર અને માત્ર નજીકના દોસ્તોનો જ સમાવેશ થતો હતો. લગ્નના ચાર વર્ષ પછી એક્ટ્રેસે દીકરાને જન્મ આપ્યો છે. જો વાત કરવામાં આવે અમૃતા રાવના કરિયરની તો તે છેલ્લે બાલા સાહેબ ઠાકરેની બાયોપિકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે બાલ ઠાકરેની પત્ની મીના ઠાકરેનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે નવાઝુદ્દિન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરી હતી.