બોલિવૂડ એક્ટર ગોવિંદા અને જેકી શ્રોફ સહિત ૫ને મોટો દંડ
મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની એ કંપનીને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંપની સાથે એની પ્રોડક્ટની ઓનલાઇન જાહેરાત કરનારા બોલિવૂડ એક્ટર્સ ગોવિંદા અને જેકી શ્રોફને પણ દંડ કરવામાં આવ્યો છે. આ મામલામાં બોલિવૂડ એક્ટર સહિત ૫ લોકોને કન્ઝ્યુમર ફોરમે ૨૬૭૧૦ રૂપિયાનો દંડ કર્યો છે.
આ ઘટનાની વિગતો જોઈએ તો મુઝફ્ફરનગરના રહેવાસી વ્રજભુષણ અગ્રવાલે ૨૦૧૩-૧૪માં સાંધાના દુખાવાની સારવાર માટે સંધિસુધા નામના તેલ ઓનલાઇન લીધું હતું. આ તેલની જાહેરાત કરતા ગોવિંદા અને જેકી શ્રોફે ૧૦૦ ટકા ફાયદાની ગેરંટી આપી હતી અને જો ફાયદો ન થાય તો ૧૫ દિવસમાં મની બેક ગેરંટીનો વાયદો કર્યો હતો. ફરિયાદી વ્રજભુષણ અગ્રવાલના દીકરા અભિનવ અગ્રવાલે દાવો કર્યો છે કે દવાથી ફાયદો ન થવાને કારણે કંપનીના અધિકારીઓ સાથે વાત કરીને ૧૩ દિવસની અંદર આ તેલને કંપનીમાં પરત કરી દીધું હતું.
કંપનીએ રિફંડ મામલે કોઈ પ્રક્રિયા હાથ ન ધરતા પીડિત વ્રજભુષણ અગ્રવાલે કન્ઝ્યુમર ફોરમમાં તેલ બનાવનાર કંપની સપ્તઋષિ આર્યુવેદ ઇન્સ્ટિટ્યૂટ, ટેલિમાર્ટ શોપિંગ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ, લોકલ ડિસ્ટ્રિબ્યુટર મેક્સ કોમ્યુનિકેશન, જાહેરાત કરનારા ગોવિંદા અને જેકી શ્રોફ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલામાં વર્ષો પછી પણ કાર્યવાહી ન થવાના કારણે કન્ઝ્યુમર ફોરમે ૨૬૭૧૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો ફરિયાદીને એક મહિનાની અંદર આ રકમ નહીં આપવામાં આવે તો વધારાનું ૧૨ ટકા વ્યાજ પણ આપવું પડશે.