બોલિવૂડ સ્ટાર્સનાં આલિશાન મહેલ સમાન અબજોનાં બંગલો
બીગ બીનો બંગલો ‘જલસા’ સૌથી મોંઘા ઘરોમાં સ્થાન
અમિતાભે ‘જલસા’ બંગલો ખરીદ્યો નહોતો પણ ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના નિર્માતા એનસી સિપ્પીએ ગિફ્ટમાં આપ્યો હતો
મુંબઈ, બોલિવૂડનાં સિતારાઓ તેમનાં અભિનયની સાથે સાથે ભવ્ય લાઇફસ્ટાઇલ, મોંઘી કાર અને શોખને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. તેમની લાઇફસ્ટાઇલમાં ઘર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, તો આ સુપરસ્ટાર મોટાં ઘરોમાં રહેતા હોય છે પણ કેટલાંક સ્ટાર એવા છે જેમનાં ઘર કોઈ આલીશાન મહેલથી સહેજ પણ ઉતરતા નથી. કિંગ ખાનનું ઘર ‘મન્નત’ ફિલ્મસ્ટાર્સનાં આલીશાન બંગલોમાં સ્થાન પામે છે. મુંબઇનાં બેન્ડસ્ટેન્ડમાં છ માળનાં આ સી-ફેસિંગ બંગલોની કિંમત રૂ. ૨૦૦ કરોડ આંકવામાં આવે છે.
આ બંગલોનું મૂળ નામ ‘વિલા વિયેના’ હતું અને શાહરુખે વર્ષ ૨૦૦૧માં બાઇ ખુરશીદ ભાનુ સંજાણા ટ્રસ્ટ પાસેથી ખરીદ્યો હતો અને ૨૦૦૫માં તેનું નામ ‘મન્નત’ રાખ્યું હતું. રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે પાલી હિલમાં આવેલા ઘર ‘વાસ્તુ’માં રહે છે. ૨૪૬૦ સ્કવેર ફુટનાં આ ઘરની કિંમત રૂ. ૩૫ કરોડ આંકવામાં આવે છે. સ્ટડીરૂમમાં રણબીરના દાદા અને પ્રસિધ્ધ અભિનેતા-દિગ્દર્શક રાજ કપૂરનું પોર્ટેટ લગાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ રણબીર આલિયાએ રૂ. ૨૫૦ કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જે મુંબઇમાં સૌથી મોંઘો સેલિબ્રિટી બંગલો હશે કારણ કે તેની કિંમત શાહરૂખનાં ‘મન્નત’ અને અમિતાભનાં ‘જલસા’ બંગલોથી પણ વધુ છે.
એક અહેવાલ પ્રમાણે રણબીર આ બંગલાની માલિક તરીકે એક વર્ષની દીકરી રાહા કપૂરનું નામ રાખશે. ખિલાડી અક્ષયકુમારનું ઘર સી ફેસિંગ છે, જેની કિમત રૂ. ૮૦ કરોડ છે. જુહુનાં આ ઘર સિવાય અક્ષય પાસે અનેક ઘર છે. વિદેશોમાં પણ તેનાં અનેક ઘર છે. કલાકારોનાં આલિશાન ઘરોમાં અજય દેવગણનાં ઘર ‘શિવ-શક્તિ’નો પણ સમાવેશ કરવો પડે. જૂહુ સ્થિત આ ઘરની કિંમત આશરે રૂ. ૬૦ કરોડ છે. વિરાટ કોહલી ઓમકાર ૧૯૭૩ નામનાં ત્રણ ટાવરનાં કોમ્પલેક્સમાંથી સી ટાવરમાં ૩૫મા માળે ચાર બેડરૂમનાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે. ૭૧૭૧ સ્કવેર ફુટનાં એપાર્ટમેન્ટમાંથી અરબી સમુદ્રનો ખૂબસુરત નજારો જોવા મળે છે.
રણવીરસિંઘ અને દિપીકા મુંબઇમાં લક્ઝરીયસ સી-વ્યુ ક્વાડ્રાપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ શાહરૂખનાં પડોશી છે. રણવીર અને તેના પિતાની કંપનીએ બેન્ડસ્ટેન્ડ બાન્દ્રામાં અન્ડરકન્સ્ટ્રક્શન સાગર રેશમ કો-ઓપ હા.સો.માં ૧૬થી ૧૯મો માળ ખરીદ્યો હતો. ૧૧૨૬૬ સ્કવેર ફુટ કારપેટ એરિયા ધરાવતો આ એપાર્ટમેન્ટ રૂ. ૧૧૯ કરોડમાં ખરીદ્યો હતો. બીગ બીનો બંગલો ‘જલસા’ બોલિવૂડનાં સૌથી મોંઘા ઘરોમાં સ્થાન પામે છે. મિડીયા અહેવાલો પ્રમાણે ૧૦,૦૦૦ સ્કવેર ફુટ વિસ્તારમાં ફેલાયેલા જલસાની કિંમત ૧૦૦થી રૂ. ૧૨૦ કરોડની આસપાસ આંકવામાં આવે છે.
જુહુમાં આવેલા આ બંગલોમાં અમિતાભ પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા રાય, પૌત્રી આરાધ્ય બચ્ચન સાથે રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભે આ બંગલો ખરીદ્યો નહોતો પણ ૧૯૮૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના નિર્માતા એનસી સિપ્પીએ અમિતાભને ગિફ્ટમાં આપ્યો હતો.ss1