બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ
મુંબઈ, સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હોસ્પિટલની બહાર ઊભેલી પોલીસનું કહેવું છે કે તેમને રૂટીન ચેકઅપ માટે અહીં લવાયા છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભને લિવરની સમસ્યા છે. તેમને મંગળવારે બપોરે ૨-૦૦ વાગ્યે તબિયત લથડ્યા બાદ નાણાંવટી હોસ્પિટલમાં ભરતી કરાયા હતાં.
અમિતાભ બચ્ચનનું લિવર માત્ર ૨૫ ટકા કામ કરી રહ્યું છે. હાલમાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યાં છે. બોલિવૂડ સાથે જોડાયેલાં લોકો અમિતાભ બચ્ચનનો હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. રિપોર્ટ મુજબ જાણીતા ગેસ્ટ્રોન્ટ્રોલોજિસ્ટ ડો.બાર્વે તેમનો ઈલાજ કરી રહ્યાં છે. કરવા ચોથના દિવસે જ્યારે આખો દેશ કરવા ચોથ મનાવી રહ્યો હતો ત્યારે અમિતાભે સોશિયલ મીડિાય પર પત્ની જયા બચ્ચન સાથેની એક તસવીર શેર કરી હતી.
અમિતાભે ૧૧ ઓક્ટોબરે પોતાનો ૭૭મો જન્મદિવસ ઊજવ્યો હતો. ગયા મહિને ૨૦૧૮નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ હતી. બચ્ચનને લિવરની સમસ્યા છે જ્યારે ૧૯૮૨માં કૂલી ફિલ્મ દરમિયાન તેમને ઇજા થઇ હતી. તે સમયે ખૂબ લોહી વહી ગયું હતું. પરિસ્થિતિ એવી હતી કે ડોક્ટરોએ બચ્ચનને ક્લિનિકલી ડેડ જાહેર કરી દીધા હતા. ખૂબ જ લોહી વહી જવાને કારણે એક્સિડન્ટ બાદ તેમને ૨૦૦ ડોનર્સ દ્વારા ૬૦ ટકા લોહી ચડાવાયું હતું.
ત્યારે તેઓ ખતરામાંથી બહાર આવ્યા હતાં. પરંતુ આ દરમિયાન વધુ એક બિમારીએ તેમને ઘેરી લીધા હતાં. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુદ બિગબીએ જણાવ્યું હતું કે એક્સિડન્ટ દરમિયાન મને જે ડોનર્સનું લોહી ચડાવાયું તેમાંથી એકને હિપેટાઈટીસ બી હતો. તેના દ્વારા તે મારા શરીરમાં પ્રવેશ્યો. ૨૦૦૦ સુધી બધું યોગ્ય રહ્યું, પરંતુ ત્યારબાદ એક સામાન્ય મેડિકલ ચેકઅપમાં સામે આવ્યું કે મારું લીવર ઈન્ફેકટેડ છે.
હિપેટાઈટીસ ઈન્ફેક્શનને કારણે તેમનું લિવર ૭૫ ટકા ખરાબ થઇ ચૂક્યું છે. તેઓ માત્ર ૨૫ ટકા લિવરને સહારે જીવી રહ્યાં છે. અમિતાભને ઘમા સમયથી લિવરની તકલીફ ઉભી થઈ છે. તેમ છતાં તેઓ આજે બોલિવૂડમાં સૌથી સક્રિય રીતે કામ કરી રહ્યાં છે. હાલ અમિતાભ લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ-૧૧ને હોસ્ટ કરી રહ્યાં છે. કેબીસી ઉપરાંત અમિતાભ બચ્ચનની આ બોલિવૂડમાં ચાર ફિલ્મ આવી રહી છે. આ અપકમિંગ ફિલ્મને લઇને અમિતાભ બચ્ચન ચર્ચામાં છે. આ ચાર ફિલ્મોમાં ગુલાબો-સીતાબો, બ્રહ્માસ્તર, ઝુંડ અને ચહેરેનો સમાવેશ થાય છે.