બોલીવૂડના બે દિગ્ગજો શત્રુઘ્ન સિંહા અને મિથુન ચક્રવર્તી આમને સામને આવી ગયા
નવી દિલ્હી, બોલીવૂડના બે દિગ્ગજ કલાકાર મિથુન ચક્રવર્તી અને શત્રુઘ્ન સિંહા આમને સામને આવી ગયા છે. તેઓ રાજકીય જંગમાં એક બીજાની સામે બાંયો ચઢાવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં આસનસોલની પેટા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે શત્રુઘ્ન સિંહાને ટિકિટ આપી છે. બીજી તરફ હવે ભાજપ વતી મિથુન ચક્રવર્તીએ અહીંના ઉમેદવાર માટે વોટ માંગવાનુ શરૂ કર્યુ છે.
મિથુન પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપ માટે જોર શોરથી ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.
મિથુન ચક્રવર્તીએ આસનસોલ બેઠકની ચૂંટણી પ્રચાર માટે એક વિડિયો રિલિઝ કરીને કહ્યુ છે કે, મેં મોતિયાનુ ઓપરેશન કરાવ્યુ હોવાથી કાળા ચશ્મા પહેર્યા છે. અહીંથી અગ્નિમિત્રા પોલ ભાજપની ઉમેદવાર છે. મારો અને તેનો ભાઈ બહેનનો સબંધ છે. તે રોજ મારી ખબર પૂછતી હોય છે. એ તમારી પણ દીકરી છે અને તેને તમારે જીતાડવાની છે. આ એવી દીકરી છે જે ખરાબ સમયમાં પણ તમારી સાથે રહેશે. તેને પૈસાની જરૂર નથી.
દરમિયાન શત્રુઘ્ન સિંહા પણ આ બેઠક પર જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. આ બેઠક માટે 12 એપ્રિલે વોટિંગ થવાનુ છે.