બ્યુરોક્રેસીની સાથે કોર્પોરેટ પ્રતિનિધિઓ પણ બુકે લઇને મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા આવી ગયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Bhupi2-1024x569.jpg)
ગાંધીનગર, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેવો ચાર્જ સંભાળ્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓએ શુભેચ્છા આપવા માટે લાઇન લગાવી દીધી હતી. મહત્વની બાબત એવી છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સ્થાન બચાવી રાખવા તેમજ વહાલા થવા રીસતરની હોડ લગાવી હતી. બ્યુરોક્રેસીની સાથે કોર્પોરેટ પ્રતિનિધિઓ પણ બુકે લઇને મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા આવી ગયા હતા.
સ્વર્ણિમ સંકુલના ત્રીજામાળે મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે. શપથ લીધા પછી ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલ પ્રમાણે ચાર્જ લેવા માટે તેમની ઓફિસમાં આવી ગયા હતા. સૌ પ્રથમ રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર તેમને મળ્યા હતા અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી અને પૂરની આફતથી અવગત કર્યા હતા. મુલાકાતીઓને મળતા પહેલાં મુખ્યમંત્રીએ રાહત અને બચાવની કામગીરી અંગે અધિકારીઓને આદેશ આપ્યા હતા.
બપોર પછી કાર્યાલય આવેલા મુખ્યમંત્રીને સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ મળ્યા હતા. મોટાભાગના આઇએએસ અધિકારીઓ ફુલોનો ગુલદસ્તો લઇને આવ્યા હતા અને મુખ્યમંત્રીને શુભેચ્છા આપી હતી. પ્રથમ દિવસે ભૂપેન્દ્ર પટેલને વહીવટી કામ સાથે મુલાકાતીઓની શુભેચ્છા લેવાનું એમ બેવડું કામ કરવું પડયું છે.
મુખ્યમંત્રી બદલાતા નવા મુખ્યમંત્રી સાથે તાલમેલ રાખવા માટે ગુજરાત સ્થિત કોર્પોરેટ હાઉના પ્રતિનિધિઓ શક્તિ પ્રમાણેના ફુલોના બુકે લઇને ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને તેમને શુભેચ્છા આપી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા માટે સ્પર્ધા કરી હોય તેવો માહોલ ઉભો થયો હતો.
વિજય રૂપાણીની કેબિનેટમાં કામ કરી ચૂકેલા ક્યા મંત્રી નવી કેબિનેટમાં ડ્રોપ થશે અને ક્યા સભ્યો નવા આવશે તેની ચર્ચા સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં ક્યા નવા અધિકારી આવશે અને ક્યા અધિકારીની બદલી થશે તેની પણ અટકળો ચાલી રહી હતી. જાે કે સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથન નવી સરકારમાં યથાવત રહેશે.HS