બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુ ને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/IMG-20210412-WA0014-1024x678.jpg)
પરમ પૂજ્ય મહામંડલેશ્વર ભારતીજી બાપુ આજે વહેલી સવારે અમદાવાદના આશ્રમમાં નિર્વાણ પામ્યા એ સમાચાર મને હરિદ્વારમાં મારી કથા દરમ્યાન મળ્યા. ભારતીબાપુ સાથેનો મારો બહુ જુનો સંબંધ.
એમનાં ધાર્મિક, સામાજિક અને વિવિધ સેવાકાર્યો માટે જયારે જયારે બાપુએ મને કહેલું ત્યારે મે એવાં કર્યો માટે રામકથાઓ યોજેલી. એમનો સ્નેહાદર અને સદ્દભાવ મારા તરફ સતત રહ્યો. આપણા સનાતન ધર્મનું મહામંડલેશ્વર જેવું મહત્વનું પદ એમને પ્રાપ્ત થયું હતું જેને તેઓ શોભાવતા રહ્યા.
એમના શિક્ષણ, આશ્રમ અને સામાજિક સેવાનાં પ્રકલ્પો પ્રેરણાદાયી રહ્યા. નાનામાં નાના માણસના આમંત્રણ પર તેને ઘેર જવાનું અને સમાજના તમામ વર્ગના લોકો સાથેનો એમનો સંબંધ આપણા માટે શીખવા જેવી બાબત રહી. ભક્તિ સંગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત તરફનો એમનો રસ આદરપાત્ર રહ્યા.
એ મને એમની સાધના વિષે વાતો કરતા. એમનો સાધનાનો ક્રમ સચવાઈ રહ્યો. આજે આવા ગિરનારી સંત આપણી વચ્ચે નથી !
આવા મહાપુરુષની વિદાયને મારી શ્રદ્ધાંજલિ અને એમની ચેતનાને પ્રણામ કરું છું. એમની સાથે જોડાયેલાં સૌને બળ મળો એવી શ્રી.હનુમાનજીના ચરણોમાં મારી પ્રાર્થના. જય સીયારામ. મોરારિબાપુ.