બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયું વિરલ પારિવારિક શાંતિ અભિયાન-૨૦૨૨
પારિવારિક શાંતિ અભિયાન થકી પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો લાખો લોકો સુધી પહોચાડી શતાબ્દી સેવકોએ સમાજ સેવાનું ખૂબ જ સારું કાર્ય કર્યું :- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
આ અભિયાન અંતર્ગત BAPS સ્વામિનારાયણ સંસ્થાના 72,000થી વધુ સ્વયંસેવકોએ 24 લાખથી વધુ ઘરોમાં નિ:સ્વાર્થ ભાવે ઘૂમીને પારિવારિક શાંતિના અમૃત ધુંટાવ્યાં
લોકસેવામાં સદા પ્રવૃત્ત BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં સતત અઢી મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક વિશિષ્ટ સામાજિક અભિયાન ‘પારિવારિક શાંતિ અભિયાન -૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ઘરો ઘર ઘૂમીને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપનારા બી.એ.પી.એસ.ના એ હજારો નિસ્વાર્થ સ્વયંસેવકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘પારિવારિક શાંતિ અભિયાન’ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો લાખો લોકો સુધી પહોચાડી શતાબ્દી સેવકોએ સમાજ સેવાનું ખૂબ જ સારું કાર્ય કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, દરેક કાર્યો અને કાર્ય કરવાની પદ્ધતિ શ્રી પ્રમુખસ્વામી મહારાજના સંદેશો થકી આપણે સૌ શીખ્યા છીએ.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મને પણ ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો છે અમારી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચીને લોકોના દુઃખ દૂર કરી રહી છે.
કોરોના કાળમાં પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને એક તાંતણે બાંધીને રાષ્ટ્રની પૂરેપૂરી સેવા કરી છે અને આ સમયે દેશની ઘણી સંસ્થાઓએ સહયોગ પણ આપ્યો હતો એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ BAPS સંસ્થાના આ પારિવારિક શાંતિ અભિયાને બિરદાવતા કહ્યું કે આ અભિયાનને સમાજ ઉપર એક અનોખી છાપ છોડી છે એટલું જ નહિ પારિવારિક શાંતિ અભિયાનએ સુખી રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું કદમ પણ છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, આ અભિયાન થકી જે સ્વયંસેવકો ૨૦ લાખથી વધુ લોકોને સુખ શાંતિનો સંદેશ આપ્યો છે જેના થકી આવનારા સમયમાં ગુજરાત અને દેશને ઘણો મોટો ફાયદો પણ થવાનો છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. અમૃત મહોત્સવમાં આ સંસ્થાના બાળકો પણ આવનારા સમયમાં સહભાગી થવાના છે. આ બાળકો પણ વિશેષ અભિયાન જેવા કે વૃક્ષો વાવો, પાણી બચાવો, વિજળી બચાઓ અભિયાન થકી લોકના ઘરો સુધી પહોંચવાના છે અને આ પણ એક પ્રકારની દેશ સેવા જ છે એમ મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, સમ્રગ વિશ્વમાં જો કોઈ સંસ્થા થકી આ પ્રકારનું શતાબ્દી મહોત્સવનું આયોજન થતું હશે એવી આ પ્રથમ સંસ્થા છે.
તેમણે કહ્યું કે, આ અભિયાન થકી આ સંસ્થાએ સમાજ ધડતરના લીડર્સ ગુજરાત અને દેશને આપ્યા છે. આ અવસરે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના બાળપણના કેટલાક અનુભવો પણ શેર કર્યા હતા.
આ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયું વિરલ પારિવારિક શાંતિ અભિયાન થકી લાખો પરિવારમાં શાંતિ પહોંચાડવાનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અવસરે બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ૭૨ લાખથી વધુ સ્વયંસેવકોએ ૧૦ જેટલા ગામડાઓ અને ૧૭ થી વધુ રાજ્યોની મુલાકાત લઇને ધરે ધરે જઈને પરિવારિક શાંતિ અભિયાનનો સંદેશ પહોંચાડ્યો છે.
તેમણે ઉમેર્યું કે, આ અભિયાન અહી અટકવાનું નથી, આવનારા સમયમાં ૩૦ હજારથી વધુ બાળકો ૩૦ લાખથી વધુ લોકોનો સંપર્ક કરવાના છે. આ સંર્પક થકી વ્યસમુક્તિ, વીજળી બચાવો તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવોની સમજ લોકો સુધી પહોચાડવામાં આવશે.
આ અવસરે પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી, પુજ્ય યજ્ઞપ્રિય સ્વામી તેમજ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા