બ્રહ્માકુમારીઝ તથા નગરપાલિકા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન

ગોધરા, ભારત સરકાર, રાજય સરકાર તથા સર્વ ભારતવાસીઓ આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ ઉમંગ-ઉત્સાહથી મનાવી રહ્યા છે. બ્રહ્માકુમારી સંસ્થા પણ ભારત સરકારના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયના સહયોગથી અમૃત મહોત્સવ વર્ષ મનાવી રહી છે.
આ સંસ્થાના સેવા કેન્દ્રો તથા પ્રભાગો દ્વારા અનેક કાર્યક્રમોના ભવ્ય અને વિશાળ આયોજનો દ્વારા અમૃત મહોત્સવ વર્ષ મનાવવાનો શુભારંભ કર્યો છે. આ કાર્યક્રમની મુખ્ય વિચારધારા ‘આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા સ્વર્ણિમ ભારતની તરફ…..’ રાખવામાં આવી છે. આ વિચારધારા હેઠળ વિવિધ વિષયો પર કાર્યક્રમોનું આયોજન થનાર છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગોધરા નગરપાલિકા તથા બ્રહ્માકુમારીઝના સંયુક્ત ઉપક્રમે ગોધરામાં ભગવદનગર, પ્રભા રોડ ઉપર આવેલા સેવા કેન્દ્ર પર સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમાર શૈલેષભાઈ એ કાર્યક્રમનો હેતુ જણાવતા કહ્યું હતું કે અસંખ્ય શહિદો, નેતાઓ અને પ્રજાજનોના બલિદાનો, આંદોલનો, અથાગ પ્રયાસોના ફળ સ્વરૂપે આઝાદી પ્રાપ્ત થઈ છે.
આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રિય ગૌરવનો પ્રસંગ છે. કોઈપણ સમાજ, સંસ્થા કે દેશનો આધાર પ્રશાસન, શાસન અને સુશાસન પર છે, જેમાં આધ્યાત્મિકતાની જરૂર છે.
પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના બ્રહ્માકુમારીઝના સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી સુરેખાદીદીએ આર્શિવચનમાં જણાવ્યું કે સ્વર્ણિમ ભારતના નિર્માણ માટે વ્યક્તિએ સ્વંય પર શાસન કરવાની કળા શીખવી પડશે અને દિવ્ય- ગુણોથી સંપન્ન બનવું પડશે. શ્રેષ્ઠ ભારત વાસીથી જ શ્રેષ્ઠ સ્વર્ણિમ ભારત સૌના સહયોગથી બનશે.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના શ્રી રમેશભાઈ પટેલ સેનેટરી ઈન્સ્પેકટર, શ્રી પ્રવિણભાઈ સોલંકી, ફાયર ઓફિસર, શ્રી રાજદિપભાઈ ફાયર ઓફિસ (વાયરલેસ), શ્રી સમસસિંહભાઈ તથા કર્મચારીઓ, અગ્રણી નાગરિકો અને બ્રહ્માકુમારીઝ પરિવારના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખશ્રી સંજયભાઈ સોનીના પ્રયાસોથી સફળ રહ્યો હતો. કાર્યક્રમનું સફળ સીંચાલન બ્રહ્માકુમારી ઈલાબેને કર્યું હતું. બ્રહ્માકુમાર કનુભાઈ પટેલ, સાયંટીસ્ટ, મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાએ સંસ્થાની પ્રવૃતિઓની માહિતી આપી હતી. આવા કાર્યક્રમોનું આયોજન પંચમહાલ, દાહોદ અને મહિસાગર જીલ્લામાં ડિસેમ્બર ર૦રર સુધી કરવામાં આવનાર છે.